250 વિદ્યાર્થીઓ 6 મહિનાથી વીજ જોડાણ વિના અભ્યાસ કરવા મજબૂર
- ગળતેશ્વરની વાડદ પ્રાથમિક શાળામાં
- જીઈબીમાં 18 હજાર ભર્યા છતાં કનેક્શન મળ્યું ન હોવાનો આક્ષેપ : શાળા બહાર સીસી રોડનો પણ અભાવ
વાડદ પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધી ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાનું છ મહિના પહેલા નવું મકાન બનાવી ગત તા. ૧૫મી ઓગસ્ટના દિવસે ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ નવી શાળાના ૬ ઓરડામાં વીજ કનેક્શન માટે જીઈબી વિભાગમાં રૂ.૧૮ હજાર ભરવામાં આવ્યા છે. તેમ છતાં સેવાલિયા જીઈબી દ્વારા વીજ કનેક્શન આપવામાં ન આવતા લાઈટ અને પંખાની પ્રાથમિક સુવિધાથી વિદ્યાર્થીઓ વંચિત છે. ઉપરાંત પ્રાથમિક શાળા બહાર વિદ્યાર્થીઓને આવવા-જવા માટેનો સીસી રસ્તો બનાવવા વર્ષ ૨૦૨૩-૨૪માં વહીવટી મંજૂરી મળી હોવા છતાં આજદિન સુધી કામ ચાલુ થયું ન હોવાના અને આ અંગે અનેક વખત ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા. આ અંગે વહીવટદાર ગીરીશભાઈ બારિયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝન ચાલતી હતી.
ચોમાસુ પૂરું થતાં ગામના વણકર, ખ્રિસ્તિ, રોહિત સમાજના કુટુંબોને પીવાનું પાણી ન મળતા અને ગટર લાઈન ન હોવાથી નવી લાઈન નાખવાની જગ્યાએથી આ સીસી રસ્તો બનાવવાનો હોવાથી હવે ગટર અને પીવાના પાણીની લાઈન શાળાની બહાર પૂર્ણ થતાં લાઈન તોડી સરકારની ગ્રાન્ટનો ખોટો ખર્ચ ન થાય માટે હવે સીસી રસ્તો બનાવી દઈશું.