આઉટ સોર્સિંગના 25 કર્મચારીઓેને 4 મહિનાથી પગાર જ મળ્યો નથી
- ડાકોર સર્કિટ હાઉસ અને ઠાસરા વિશ્રામગૃહના
- પોતાના માણસો નહીં મૂકવા દેવાતા એજન્સી પગાર કરતી નથી, પગાર મામલે મા.મ. વિભાગે એજન્સીને નોટિસ ફટકારી
ડાકોર : ડાકોર સકટ હાઉસ માર્ગમકાન વિભાગની ઓફિસ અને ઠાસરા વિશ્રામગૃહમાં કુલ ૨૫ કર્મચારીઓ આઉટ સોર્સિંગથી કામગીરી કરી રહ્યા છે. જેવો સરકારના સનદી અધિકારીઓ માટે ખડેપગે તૈયાર રહેતા હોય છે. તે કર્મચારીઓનો ચાર મહિનાથી ઓમ સિક્યુરિટી ગાંધીનગર નામની એજન્સીએ પગાર કર્યો નથી. જેને કારણે ૨૫ કર્મચારીઓને ઘર ચલાવવા માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે.
હાલ ઉપરોક્ત આઉટ સોર્સિંગથી કામ કરતા ૨૫ કર્મચારીઓને ઉછીના પૈસા લાવી પરિવારને દવાખાનાનો ખર્ચ કરવો પડે છે. આ કર્મચારીઓને નાણાંકીય ભીડના લીધે પોતાની વસ્તુઓ ગીરવે મૂકી ઘર ચલાવવાની નોબત આવી છે. ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે, નક્કી કર્યા મૂજબનો પગાર મળી ગયો છે તેવું ઓમ સિક્યુરિટી એજન્સી અમારી પાસેથી લખાણ માંગે છે. હજુ પગાર આપ્યો નથી તે પહેલા લખાણ કેવીરી આપીએ જેથી કર્મચારીઓને પગાર જલ્દી થાય તેવી માગણી આ ૨૫ કર્મચારીઓ કરી રહ્યા છે.
આ બાબતે ઓમ સિક્યુરિટીના સંચાલકે જણાવ્યું હતું કે, માર્ગમકાન વિભાગના અધિકારી અને આ કર્મચારીઓ માંગેલું લેખીત આપતા નથી અને અમે એજન્સી રાખી છે તેમાં અમારા નક્કી કરાયેલા કર્મચારી મુકવા દેતા નથી માટે એજન્સી દ્વારા પગાર ચુકાવાતો નથી.
બીજી તરફ માર્ગમકાન વિભાગના અધિકારી પ્રતિકભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ઓમ સિક્યૂરિટી ગાંધીનગર એજન્સીને તા. ૧/૧/૨૦૨૪થી ટેન્ડર મુજબ વર્ક ઓર્ડર અપાયો છે. એજન્સી તેની મનમાની મુજબ કર્મચારીઓ રાખવા માંગે છે જે શક્ય નથી. મુખ્યમંત્રી, સરકારની ઝેડપ્લસ સુરક્ષા સહિતના અન્ય અધિકારીઓની સલામતીનું ધ્યાન રાખીને કામ લેવું પડે માટે નવો માણસ કેવું કામ કરે તે વિભાગ કેવીરીતે નક્કી કરી શકે. જ્યારે જૂના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી કામ કરે છે અને તેમની કામગીરીથી વિભાગ પરિચિત છે. સુરક્ષાના મામલે કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના કરી શકાય માટે એજન્સીની મનમાની ચલાવાય નહીં. એજન્સીને કર્મચારીનો પગાર ચૂકવવા નોટિસ પણ અપાઈ છે.