ખેડા જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષામાં 204 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા
- ધો. 12 માં 56 વિદ્યાર્થીએ પેપર ન આપ્યું
- ધોરણ-10 ના ગુજરાતીના પેપરમાં 365 વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને 148 ન આવ્યા
નડિયાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૪મીથી ધો.-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. ખેડા જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષામાં આજે પ્રથમ દિવસે ધો.-૧૦માં ૧૪૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.-૧૨માં ૫૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
સમગ્ર રાજ્યની સાથે ખેડા જિલ્લામાં પણ આજથી એસએસસી (ધો. ૧૦) અને એચએસસી (ધો.૧૨) બોર્ડની પૂરક પરીક્ષાનો આરંભ થયો છે. આજે ધોરણ ૧૦માં ગુજરાતીના પ્રશ્નપત્ર માટે નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૩૬૫ હાજર રહ્યા હતા, જ્યારે ૧૪૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજીના પ્રશ્નપત્રમાં તમામ ચાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ધોરણ ૧૨ની પૂરક પરીક્ષા માટે આંકડાશા વિષયમાં ૩૧૦ વિદ્યાર્થી હાજર જ્યારે ૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ બોર્ડની પૂરક પરીક્ષામાં પ્રથમ દિવસે કુલ ૨૦૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ હતી.