ખેડા અને સણસોલી રોડ ઉપર અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત
- ખેડા ટાઉન અને મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ
- અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક અને પલટી જતા ટેમ્પી ચાલકના મૃત્યુ
મહેમદાવાદ તાલુકાના સણસોલી અંબિકા નગરમાં રહેતા કમલેશભાઈ વિનુભાઈ પરમાર તા.૨૮મીને સોમવારે બપોરે મોટરસાયકલ લઈને સોખડા ગામે કાકાની સાસરીમાં ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે ખેડા પૌવા ફેક્ટરી નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલક કમલેશભાઈ વિનુભાઈ પરમાર (ઉં.વ.૨૩)નું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતંુ. આ બનાવ અંગે વિક્રમભાઈ વિનુભાઈ પરમારની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં અમદાવાદ નરોડામાં રહેતા રાજુભાઈ ડાયાભાઈ પટણી ટેમ્પી લઈ ભંગાર ઉઘરાવવા જઈ રહ્યા હતા. ત્યારે સણસોલી રામાપીરના મંદિર નજીક ટેમ્પી પલટી જતા ટેમ્પી ચાલક રાજુભાઈ પટણીને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી.
સ્થાનિક લોકોએ જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેમને સારવાર માટે મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મેડિકલ ઓફિસરે ટેમ્પી ચાલક રાજુભાઈ પટણીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વિનોદભાઈ ગોવિંદભાઈ પટણીએ મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.