Get The App

નડિયાદમાં મકાનમાંથી 1.88 લાખના વિદેશી દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
નડિયાદમાં મકાનમાંથી 1.88 લાખના વિદેશી દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા 1 - image


- સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયો

- રાજસ્થાનથી દારૂ મંગાવાતો હતો, 3 આરોપીઓ ફરાર

નડિયાદ : રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નડિયાદ ટાઉન પોલીસની હદમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સાથે દારૂના વેચાણના વેપલાનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક મકાનમાંથી રૂપિયા ૧.૮૮ લાખના વિદેશી દારૂનો જથ્થા સાથે એક મુખ્ય સૂત્રધાર આરોપી અને અન્ય એકને પકડી લેવાયા છે. 

જ્યારે દારૂનો વેપલાનો ભાગીદાર અને દારૂનો જથ્થો સંગ્રહ કરનાર મકાન માલિક તેમજ રાજસ્થાનનો બુટલેગર વોન્ટેડ છે. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ૨.૦૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ફરાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ છે?.

સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે ગતરોજ સમી સાંજે નડિયાદમાં નવી મીલની સામે આવેલ ભાઈલાલભાઈની ચાલીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી બે લોકો ઝડપાયા હતા. પોલીસે આ બંનેના નામઠામ પુછતા આ બંનેએ પોતાના નામ ઘનશ્યામ ચંદુલાલ ઝાલા (રહે. ભાઈલાલ ભાઈની ચાલી) અને રાહુલ રાકેશ ચૌધરી (રહે.યોગીનગર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ બંને ઈસમો પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો અને ઘનશ્યામની પુછપરછમાં વધુ દારૂનો જથ્થો આ ચાલીમાં રહેતા તેના સગા કાકા જશુ બુધા ઝાલાના ઘરે સંતાડી રાખેલો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે આ બંનેને સાથે રાખી જશુના ઘરની તલાસી લીધી હતી. જ્યાંથી વધુ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

જે બાદ પોલીસ જાપ્તા સાથે આ બંને ઈસમો અને વિદેશી દારૂનો જથ્થો નડિયાદ ટાઉન પોલીસ મથકે લાવી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૦૩૧ કિંમત રૂપિયા ૧ લાખ ૮૮ હજાર ૧૮૦ તેમજ બંને ઈસમો પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨ લાખ ૨ હજાર ૫૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ઘનશ્યામ ઝાલાની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો તે પોતાના ભાગીદાર યાસીન વ્હોરા (રહે.પરિવાર સોસાયટી) સાથે મળીને ભાગીદારીમાં વેચાણ કરે છે. 

અને આ રાહુલ ચૌધરી નોકરી કરે છે આ ઉપરાંત આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી એક ઈસમ મારફતે મંગાવતો હોવાની કબૂલાત કરી છે. જે આધારે પોલીસે દારૂનો વેપલાનો ભાગીદાર અને દારૂનો જથ્થો સંગ્રહ કરનાર મકાન માલિક તેમજ રાજસ્થાનનો બુટલેગરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


Google NewsGoogle News