નડિયાદ શહેરમાં જ્વેલર્સની દુકાન ઘરમાંથી 2.11 લાખની મત્તા ચોરાઈ
- મકાનમાંથી 1.61 લાખના દાગીના લઈ તસ્કરો ફરાર
- પેટલાદ રોડ પર ગ્રાહકના સ્વાંગમાં 3 મહિલાઓ નજર ચૂકવી અડધા લાખના દાગીના સેરવી ગઈ
નડિયાદ પેટલાદ રોડ ઉપર મોલની સામે નિર્મલ માણેકલાલ સોનીના કાકા દિનેશભાઇની નાગ્લેશ્વરી જ્વેલર્સમાં તા.૨૫મીની સાંજે ત્રણ મહિલાઓ સોના ચાંદીના દાગીના ખરીદવાના બહાને આવી હતી. દરમિયાન દુકાનદારની નજર ચૂકવી ચાંદીના છડા નંગ પાંચ કિંમત રૂપિયા ૪૫ હજારના તથા સોનાની ૩ ચૂની કિંમત રૂ.૪,૫૦૦ મળી કુલ રૂ.૪૯,૫૦૦ની મત્તા સેરવી લીધી હતી. બાદમાં ચાંદીના છડા લઈ ઉતાવળ કરી બિલ વગર તેના રૂ.૧,૫૦૦ ચૂકવી દુકાનમાંથી નીકળી ગઈ હતી. ચાંદીના છડા ઓછા હોવાની જાણ થતા બૂમાબૂમ કરતા ત્રણેય મહિલાઓ ગાડીમાં બેસી નાસી ગઈ હતી. આ બનાવ સંદર્ભે નિર્મલ માણેકલાલ સોનીની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં નડિયાદ મિશન રોડ પરના જિલ્લા પંચાયતના સ્ટાફ ક્વાટર્સમાં રહેતું દંપતી ચિરાગભાઈ મનુભાઈ પરમાર તલાટી તરીકે જ્યારે તેમની પત્ની ભાવીનીબેન મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવે છે. ભાવિનીબેન ગાંધીનગર તાલીમમાં ગયા હતા. ત્યારે કોઈ તસ્કરો બંધ મકાનના દરવાજાનું તાળું ખોલી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂ.૧,૬૧,૧૦૬ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે ચિરાગભાઈ મનુભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.