સસ્તામાં ડોલર લેવા આવેલા વેપારીના 2.10 લાખ આંચકી ત્રિપૂટી ફરાર
- એક્સપ્રેસ-વે પર મહેમદાવાદ પાસેનો બનાવ
- અમદાવાદના વેપારીને પ્રતિ ડોલર રૂ. 70 લેખે 3 હજાર ડોલર એક્સચેન્જ કરવાની લાલચ આપી હતી
નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક બ્રિજ નં.૭ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર આપવાના બહાને બોલાવી રૂ.૨.૧૦ લાખ આંચકી લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના બોપલમાં રહેતા ચાના વેપારી પર્વરાજસિંહ દિગ્વિજયસિંહ વાઘેલાના મિત્ર રાજુભાઈ છાપરાએ અઠવાડિયા પહેલા જણાવ્યું હતું કે, તેમના મિત્ર વિજયભાઈ દલવાડીના મિત્ર વિજયભાઈ ગણેશભાઈ સોલંકીને કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે ડોલર એક્સચેન્જ માટે પ્રતિ ડોલરના રૂ.૭૦ લેખે ૩૦૦૦ ડોલરના રૂ.૨.૧૦ લાખ આપવાનું જણાવ્યું હતું. સસ્તામાં ડોલર મળતા હોવાથી પર્વરાજસિંહે રૂપિયા આપી ડોલર લેવાની તૈયારી બતાવી હતી. બાદમાં તેમના મિત્ર રાજુભાઈ અને વિજયભાઈ સોલંકી સાથે એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક આવેલા બ્રિજ નં.૭ પાસે પહોંચ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સોએ ૧૦૦ ડોલરની એક નોટ આપી તપાસ કરવા કારમાં જવાનું કહ્યું હતું. દરમિયાન વિજયભાઈ રોકડા રૂ.૨.૧૦ લાખ આપી ડોલર લેવા જતા હતા ત્યારે બંને શખ્સો તેમના હાથમાંથી નાણાં આંચકી જઈ બ્રિજ ઉપર ચઢી, ત્યાં બાઈક પર રાહ જોઈ રહેલા શખ્સની પાછળ બેસી જઈ નાસી છુટયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.