Get The App

બાલાસિનોરમાં 18 એકમો સીલ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
બાલાસિનોરમાં 18 એકમો સીલ 1 - image


- 5 હોટેલોને નોટિસો ફટકારાઈ : 4 હોટેલોમાંથી ઘરવપરાશના ગેસની બોટલો જપ્ત કરી કાર્યવાહી કરાઈ

બાલાસિનોર : બાલાસિનોરમાં તંત્ર સફાળુ જાગ્યું હતું અને ફાયર એનઓસી અને બિનખેતીના હુકમ વગર ચાલતા ૧૮ એકમો સીલ કરાયા હતા. જ્યારે પાંચ હોટેલોને નોટિસ ફટકારી સૂચનાઓ અપાઈ હતી. બીજી તરફ ચાર હોટેલોમાંથી ૧૪ જેટલા ઘરવપરાશના ગેસની બોટલો મળતા જપ્ત કરાઈ હતી. બાલાસિનોર નગરમાં ફાયર એન.ઓ.સી. તેમજ બિનખેતીના હુકમ વિનાની દુકાનો તેમજ હોટલોની સંખ્યા વધારે છે. અત્યાર સુધી આ તમામ હોટેલો તેમજ દુકાનોને તંત્રએ રહેમનજર હેઠળ ચાલવા દીધા છે. ફાયર એનઓસી વિનાના એકમો ઘણા મોટા પ્રમાણમાં અત્યાર સુધી ધમધમતા હતા. 

ત્યારે રાજકોટના ગેમઝનમાં આગની દુર્ઘટના બાદ બાલાસિનોરમાં તંત્ર સફાળું જાગ્યું હતું. અને બાલાસિનોર નગર તેમજ તાલુકામાં ચાલતી ફાયર એનઓસી તેમજ બિનખેતીના હુકમ વિનાની દુકાનો અને હોટેલોમાં ચકાસણી શરૂ કરવામાં આવી હતી. શનિવારે બાલાસિનોર મામલતદાર સહિતની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચકાસણી કર્યા બાદ ૧૮ એકમોને સીલ લગાવી દેવામાં આવ્યું હતું. 

જેમાં માનવ હોટેલ, ઓનેસ્ટ તવા ફ્રાય, સર્વોદય તવા ફ્રાય, ભારત બેટરી, કેજીએફ ટાયર, આશીર્વાદ હોટેલ, ગણપતિ કપાસિયા ગોળ, રાસાયણિક ખાતર ગોડાઉન, મિી એજન્સી, ઉમાં ટ્રેકટર, ફ્રેન્ડસ સ્ટીલ, અંબર હોટેલ, ન્યુ રોયલ ઢાબા, વેલકમ ટી સ્ટોલ, સહયોગ મારબલ, ઇન્ડિયન સપ્લાયર્સ, મયૂર હોટેલ, આકાશ હોટેલ જેવા સ્થળોને સીલ કરી દેવાયા હતા. 

જ્યારે બાલાસિનોરમાં તંત્રએ અન્નપૂર્ણા હોટેલ, ક્વોલિટી ઈન હોટેલ, આસોપાલવ હોટેલ, સબરસ હોટેલ, શ્રીજી મઢુલી રેસ્ટોરન્ટ જેવા પાંચ સ્થળોમાં તકેદારીના ભાગરૂપે નોટિસો ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી. 

બાલાસિનોર નગર તેમજ તાલુકામાં આવેલા સર્વોદય તવા ફ્રાય હોટેલમાં ૧, આસોપાલવ હોટેલમાં ૩, ઓનેસ્ટ તવાફ્રાય હોટેલમાં ૪ અને અંબર હોટલમાંથી ૬ ઘરવપરાશની ગેસની બોટલો ઝડપાતા બોટલ કબજે કરી હોટલોને સીલ કરી કાર્યવાહી કરાઈ હતી.


Google NewsGoogle News