નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાથે 18 લાખની છેતરપિંડી

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાથે 18 લાખની છેતરપિંડી 1 - image


- જમીન વેચાણ આપવાનું કહી દસ્તાવેજ જ ન કર્યો

- મહેળાવના દંપતી સહિત 3 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

નડિયાદ : નડિયાદના પૂર્વ પાલિકા પ્રમુખને જમીન વેચાણ આપવાનું કહી વેચાણ દસ્તાવેજ ન કરી આપી મહેળાવની ત્રિપુટીએ રૂ.૧૮ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે છેતરપિંડી કરનાર દંપતી સહિત ત્રણ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ નવાપુરામાં વહેરાઈ માતાના ખાંચામાં રહેતા નરેશભાઈ ઘનશ્યામભાઈ બારોટ (પૂર્વ પાલિકા પ્રમુખ) વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના માતા અને મિત્રો જમીન વેચાણ લેવા જમીન દલાલો અને મિત્રોને વાત કરી હતી. આ દરમિયાન નરેશભાઈએ મહેળાવમાં રહેતા મિત્ર જતીનભાઈ કનુભાઈ પટેલને કોઈની જમીન વેચવાની હોય તો જણાવવા વાત કરી હતી જેથી જતીન પટેલે પોતાના ભાઈ જીગ્નેશ પટેલની સંયુક્ત માલિકીની જમીન મહેળાવ સીમમાં આવેલ જમીન ખાતા નંબર ૨૬૬૧ સર્વે બ્લોક નંબર ૨૫૦૯ ની ૨૨ ગુંઠા જમીન બતાવી હતી. આ જમીન નરેશભાઈ બારોટને પસંદ પડતા રૂ. ૩૦ લાખમાં જમીનનો સોદો નક્કી થયો હતો. આ ઉપરાંત જમીન ખાતા નંબર ૨૬૬૧ રેવન્યુ બ્લોક નંબર ૨૭૬૬ ની ૪૧ ગુંઠા જમીનનો રૂ. ૪૦ લાખમાં સોદો નક્કી થયો હતો. વર્ષ ૨૦૧૭ માં આ બન્ને જમીન વેચાણ રાખવા નરેશભાઈએ પોતાના તથા માતાના જોઈન્ટ અકાઉન્ટના રૂ. ૧૪ લાખના ત્રણ ચેક બાનાખત પેટે જતીન અને જીગ્નેશને ચૂકવી આપ્યા હતા. બાદમાં પેટલાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બંને જમીનનું વેચાણ બાના ખત કરવામાં આવ્યું હતું. આ વેચાણ બાનાખત કરી આપ્યાના સાત માસ બાદ જતીન પટેલ, કામિની જતીન પટેલ તથા જીગ્નેશ પટેલ એ નરેશભાઈ ના ઘરે જઈ જમીનના કાગડો તૈયાર કરવા રૂ. ચાર લાખની માંગણી કરતા નરેશભાઈએ મિત્રની હાજરીમાં રૂ. ચાર લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ નરેશભાઈ એ ત્રણ જણાને જમીનનો પાકો વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવતા તેઓએ થોડો સમય રાહ જોવાનું કહી ખોટા બહાના બતાવી દસ્તાવેજ કરી આપેલ નહીં. આ દરમ્યાન તા.૧૧/૫/૨૧ ના રોજ નરેશભાઈની માતાનું અવસાન થતાં સુધી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હોઇ નરેશભાઈએ પૈસા પરત આપવા માંગણી કરતા તા.૧૨/૭/૨૨ ના રોજ જતીનભાઈ પટેલે તેઓના તથા પત્ની કામિનીબેનના જોઈન્ટ અકાઉન્ટ ના પંજાબ બેંકનો રૂ. ૧૮ લાખનો ચેક આપ્યો હતો ત્યારે સરકારનો રૂ.પાંચ લાખ ઉપરનો ચેક હોય તો ચેક આપનારની સંમતી લેવાનો પરિપત્ર હોય આ બાબતે જતીનભાઈ ને જણાવતા તેઓએ સંમતી આપવાની ના પાડી હતી. અને થોડા દિવસોમાં પૈસા ચૂકવી આપવા વાયદો કર્યો હતો. આમ છતાં આજ દિન સુધી ખોટા બહાના બતાવી પૈસા પરત ન આપી કે જમીનનો પાકો વેચાણ દસ્તાવેજ ન કરી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નરેશભાઈ ઘનશ્યામભાઈ બારોટની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે જતીન કનુભાઈ પટેલ, જીગ્નેશ કનુભાઈ તેમજ કામિનીબેન જતીનભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News