નડિયાદ પાલિકામાં 18 કમિટી રચાઇ 13 સમિતિમાં મહિલાઓનો દબદબો

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
નડિયાદ પાલિકામાં 18 કમિટી રચાઇ 13 સમિતિમાં મહિલાઓનો દબદબો 1 - image


- પાલિકામાં અઢી વર્ષ માટે વિવિધ સમિતિની રચના માટે બેઠક મળી 

- માત્ર 5 અનુભવી સભ્યોને સ્થાન અપાયું : સમિતિઓમાં ઓબીસી સમાજને પણ પ્રાધાન્ય અપાયું

નડિયાદ : નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં જૂની કમિટીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આગામી અઢી વર્ષની ટર્મ માટે સોમવારે ૧૮ કમિટીઓની રચના કરવામાં આવી છે. નવી સમિતિઓની રચના જોતા આગામી અઢી વર્ષ ૧૩ કમિટીઓ પર મહિલાઓનું રાજ રહેશે, જ્યારે ૧૮ પૈકી માત્ર પાંચ સભ્યો એવા છે, જેઓ અગાઉ પણ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. ૧૩ બિલકુલ નવા ચેરમેનોની નિમણૂંક કરવામાં આવી છે. 

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સોમવારે પ્રમુખસ્થાને આગામી અઢી વર્ષ માટે નવા ચેરમેનો નિમાયા હતા. આ નવા ચેરમેનની નિમણૂક માટે સોમવારે ડભાણ રોડ સ્થિત કમલમ કાર્યાલયથી એક સીલ બંધ કવર આવ્યું હતું. આ કવર નડિયાદ શહેર ભાજપ પ્રમુખે લાવી નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહને સોંપ્યું હતું.

જ્યાં પ્રમુખે નડિયાદ પાલિકાની સામાન્ય સભા આરંભી હતી. તેમજ આ સીલબંધ કવર ખોલી નડિયાદ નગરપાલિકાના એકાઉન્ટન્ટ દ્વારા તેમાં રહેલા સમિતિના સભ્યોના નામ અને જે-તે સમિતિના ચેરમેનના નામની જાહેરાત કરાઈ હતી. આ નામો ખુલતા જ તેમાં કુલ ૧૮ વિભાગોની સમિતિઓમાં ૧૩ મહિલા સભ્યોને ચેરમેન બનાવાયાં છે.તો સાથે ૧૮ પૈકી પાંચ જ સમિતિઓ એવી છે, જેમાં અગાઉ અન્ય સમિતિઓના ચેરમેન કે પાલિકાના હોદ્દેદાર રહી ચૂક્યા હોય તેવા અનુભવી ચેરમેનને સમિતિઓ સોંપાઈ છે. નગરપાલિકાની આ સમિતિની રચનામાં ઓબીસી સમાજને પણ પ્રાધાન્ય અપાયું છે. કુલ ૧૮ પૈકી ૮ સમિતિઓ ઓબીસી સમાજને, ૮ સમિતિઓ જનરલ અને ૧-૧ સમિતિ એસસી અને એસટી સમાજને ફાળે આપવામાં આવી છે. 

આ તરફ ભાજપના જૂના દિગ્ગજ નેતા વિજય રાવના પત્ની અને અપક્ષ કાઉન્સિલર રંજનબેન વિજયકુમાર રાવને એપીએમસીના સભ્ય તરીકે નિમણૂંક અપાઈ છે. સમિતિઓના ચેરમેનની નિમણૂંકને જોતાં નડિયાદના ધારાસભ્યના નજીકના ગણાતા તમામ સભ્યોનો સમિતિઓ મેળવવામાં દબદબો રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

નો રિપિટ થિયરીમાં જૂના જોગીઓ હાંસિયામાં ધકેલાયા

નડિયાદ નગરપાલિકાના સિનિયર કહેવાતા અને નડિયાદના રાજકારણના જૂના જોગીઓ કહેવાતા અનેક એવા સભ્યોને નવી સમિતિઓમાંથી બાદ કરી દેવાયા છે. ભાજપની નો રીપીટની થિયરીમાં તમામ જૂના જોગીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આ નામોમાં વિજયભાઈ પટેલ(બબલદાસ), સંજયભાઈ પટેલ, કાનજીભાઈ દેવશીભાઈ પરમાર, રમેશભાઈ રઈજીભાઈ પરમાર, રીપુબેન સુશીલભાઈ પટેલ સહિતના સભ્યો છેલ્લી કેટલીય ટર્મથી પોતાના વોર્ડમાં ચૂંટાતા આવ્યા છે, જેમને સમિતિઓમાં પડતા મૂકાયા છે.

અપક્ષ કાઉન્સિલરોએ લેખિત રજૂઆત આપી વિરોધ નોંધાવ્યો

નડિયાદ નગરપાલિકાની સોમવારની સામાન્ય સભામાં અપક્ષ કાઉન્સિલર ગોકુલ શાહ અને માજીદખાન પઠાણે લેખિત રજૂઆત આપી વિરોધ નોંધાવ્યો હતો. ગોકુલ શાહે રખડતા ઢોર, જાહેર બિસ્માર રસ્તા, જાહેર રોડ પૈકીના ગેરકાયદેસર બિનઅધિકૃત પરવાનગી વગરના બાંધકામ અને નગરપાલિકાના કર્મચારીઓના પગારના મુદ્દે રજૂઆત કરી હતી. આ સાથે જ તેમણે સામાન્ય સભાના એજન્ડામાં ઠરાવ નં.૯ માં પ્લોટ વેચાણ અર્થે કાઢવામાં આવતા, તે મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે અપક્ષ કાઉન્સિલર માજીદખાન પઠાણે વોર્ડ નં.૪, ૫ અને ૬માં વિકાસ બાબતે થતા ભેદભાવ, ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગ કરી છે.

સમિતિઓ નવા નિમાયેલાં ચેરમેન

નવી સમિતિઓ અને તેના ચેરમેનમાં પરીનભાઇ અશોકભાઈ બ્રહ્મભટ્ટને કારોબારી કમિટિ, નર્મદાબેન નારણભાઈ ભીલને સેનેટરી કમિટિ, ગૌરાંગભાઈ શાંતિલાલ પટેલને રોડ કમિટિ, કિન્નરીબેન ચિરાગભાઈ શાહને લીગલ કમિટિ, ઉમલાબેન ઉમેશભાઈ યાદવને ફાઇનાન્સ કમિટિ, રીટાબેન ચંદ્રકાંતભાઈ બ્રહ્મભટ્ટને વોટર વર્ક્સ કમિટિ, કાજલબેન સુનિલભાઈ પટેલને ટાઉન પ્લાનિંગ કમિટિ સહિતની વિવિધ કમિટિઓના ચેરમેન તરીકે નિમણૂંક અપાઈ છે. 


Google NewsGoogle News