નડિયાદમાં સરકારી જમીન પર ઉભી કરાયેલી 14 દુકાનોને સીલ કરાઇ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
નડિયાદમાં સરકારી જમીન પર ઉભી કરાયેલી 14 દુકાનોને સીલ કરાઇ 1 - image


- ચિલ્ડ્રન હોમની જગ્યામાં દુકાનો બનાવી દેવાઇ

- કલેક્ટરે દુકાનોને નોટિસ આપી સીલ કરાવી, સરકારી જમીનમાં હેતુફેર કરી દુકાનો ઉભી કરાઇ હતી

નડિયાદ : નડિયાદમાં જવાહરનગર રોડ પરના ચિલ્ડ્રન હોમની સરકારી જગ્યામાં સંચાલકોએ પોતાના મળતીયાઓ સાથે મળી ગેરકાયદેસર દુકાનો ઉભી કરાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ે કલેક્ટર અને અધિક કલેક્ટરને તપાસ સોંપાઈ અને હીયરીંગના અંતે સરકારી માલિકીની જ મિલકતમાં ગેરકાયદેસર રીતે  દુકાનો ઉભઈ કરી દેવાઇ હોવાનું સામે આવ્યું હતું. આ  મિલકત પરત લેવા જિલ્લા કલેક્ટર દ્વારા ૧૪ દુકાનોને સીલ મારીને નોટિસ ફટકારવામાં આવી હતી. 

કોરોનાકાળમાં નડિયાદના સંતઅન્ના ચોકડી નજીક જવાહર નગર રોડ પર આવેલુ બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળ આરોપીઓની સરકાર નિભાવણી કરી શકતી નથી, તેમ દર્શાવી છૂટા કરી દેવાયા હતા. ત્યારબાદ બાળ સંરક્ષણ ગૃહની નિભાવણી કરવા માટેનો ખર્ચ કાઢવાનો હેતુ દર્શાવી સરકારે જ જમીન બાળ સંરક્ષણ ગૃહને આપી હતી, તેના મૂળ હેતુમાં ફેરફાર કરી નાખી સંચાલકોએ આ જગ્યા પોતાના મળતીયાઓને પધરાવી દીધી હતી.

 તેમજ અહીંયા સંચાલકોના મળતીયાઓ દ્વારા દુકાનોનું બાંધકામ કરી દેવાયુ હતુ. જે દુકાનનું ભાડુ ઉઘરાવી સંચાલકો અને મળતીયાઓ પોતાના ખિસ્સા ગરમ કરવાની રાહે નીકળ્યા હતા. પરંતુ આ સમગ્ર કૌભાંડ ખુલ્લુ પડી ગયું છે.  ત્યારબાદ આ અંગે જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં છેલ્લા એક વર્ષથી હિયરીંગ ચાલતુ હતુ. 

આ દુકાનો બાંધવા માટે ભૂમાફીયાઓએ નડિયાદ નગરપાલિકાની પણ કોઈ મંજૂરી ન લીધી. જેના કારણે મુદ્દો ચર્ચામાં આવ્યો. ત્યારબાદ અનેક રજૂઆતો વિપક્ષે પણ કરી. આ મામલે સરકારે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપી. જેમાં ૧ વર્ષ હિયરીંગ ચાલ્યુ. જે દરમિયાન દુકાનોનું બાંધકામ કરનારા અને સંરક્ષણ ગૃહના સંચાલકોને સાંભળવામાં આવ્યા. તેઓ આ મામલે કોઈ નક્કર પુરાવા કે યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શક્યા. અંતે સરકારી મિલકતમાં બંધાયેલી દુકાનો સરકાર હસ્તક કરવા કલેક્ટરે હુકમ કર્યો અને દુકાનો પર નોટીસ લગાવવામાં આવી.

આ હિયરીંગમાં અંતે સરકારી મિલકતમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે હેતુફેર કરી મળતીયાઓ પાસે દુકાનો બનાવડાવી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ દુકાનો હવે સરકારી મિલકતમાં હોય, જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં આ રીમાન્ડ હોમની જગ્યામાં બનાવાયેલી દુકાનો અંગે ફેરફાર કરવાનો હુકમ કરાયો છે. જેમાં આ દુકાનો સહિતની જગ્યા સરકાર હસ્તક પરત લેવામાં આવી છે. જે અંગે આજે સ્થળ પરની દુકાનો સીલ કરી દેવાઈ છે. 

તેમજ ત્યાં નોટીસ લગાવવામાં આવી છે, તેમજ કોઈને જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી મિલકત અંગે કરાયેલા ફેરફાર હુકમ સામે વાંધો હોય તો ૧૦ દિવસમાં સીટી સર્વે કચેરીમાં પુરાવા સાથે વાંધો રજૂ કરવા જણાવ્યુ છે.

ભાજપના દિગ્ગજ નેતા કે.ડી. જેસ્વાણીએ ઠરાવ કર્યો

આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે, જે-તે સમયે બાળ રીમાન્ડ હોમ ટ્રસ્ટના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પીઢ અને દિગ્ગજ નેતા કે.ડી. જેસ્વાણી હતા. તેમણે પ્રમુખ તરીકેના કાર્યકાળમાં જ આ જગ્યામાં દુકાનો બાંધવા માટે ૨ વ્યક્તિઓને ઠરાવ કરી આપ્યો હતો. ત્યારબાદ તેમણે પ્રમુખપદ છોડી દીધુ હતુ અને ટ્રસ્ટમાં રહેલા અન્ય હોદ્દેદરોએ પણ મંજૂરી આપી હતી. ત્યારે જો આ સરકારી જગ્યા હોય તો ભાજપના જ દિગ્ગજ નેતાએ કેવી રીતે ઠરાવ કરી આપ્યો? તે અંગે સવાલ ઉઠયા છે.

તો નગરપાલિકાની કારોબારીએ પણ ઠરાવ્યુ?

આ સમગ્ર મામલે બીજી ચોંકાવનારી વિગતો દુકાન બાંધનારા એડવોકેટ કે.સી. પટેલ સાથેની વાતચીતમાં જાણવા મળી કે, માત્ર ટ્રસ્ટે ઠરાવ કર્યો અને તેમણે દુકાનો બાંધી દીધી હોય તેવુ નથી. આ દુકાનો બાંધવા માટે નડિયાદ નગરપાલિકાની કારોબારી સમિતિએ પણ ઠરાવ કર્યો હોવાનો સ્ફોટક ખુલાસો કર્યો છે. જો તેમની આ વાત સત્ય હોય અને જો આ જગ્યા ખરેખર સરકારી મિલકત જ હોય, તો પછી ઠરાવ કરનારા કારોબારી ચેરમેન સામે પણ કાર્યવાહી જિલ્લા પ્રશાસને કરવાની થઈ શકે છે.

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થાય

આ સમગ્ર મામલે જાણકારોના મતે સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યુ છે. તેમજ અહીંયા જે દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યુ હતુ, તેમાંથી કેટલીક દુકાનો ગેરકાયદેસર રીતે ભાડે પણ આપવામાં આવી હતી. એટલે કે, ખોટી રીતે સરકારી જગ્યા પર બાંધકામ અને ત્યારબાદ તેની પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી ભાડા વસુલાયા છે. ત્યારે સમગ્ર મામલે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ આ બાંધકામ કરી દુકાનો ભાડે આપનારા ભૂમાફીયાઓ સામે કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

ખાનગી ટ્રસ્ટની જગ્યા છે, કલેક્ટર સામે 3 દાવા કોર્ટમાં ચાલુ છેઃ કે.સી. પટેલ, દુકાનો બાંધનાર

દુકાનો બાંધનાર કે.સી.પટેલે જણાવ્યું હતું કે આ સરકારી જગ્યા જ નથી. ખાનગી ટ્રસ્ટની જગ્યા છે. ૧૯૨૩થી ટ્રસ્ટ કાર્યરત છે. જૂનો રેકર્ડ મળતો નથી. જેથી મૂળ કોની માલિકીનું છે? તે જાણવા મળતુ નથી. બાળ રીમાન્ડ હોમ બન્યુ અને તેનુ ખાનગી ટ્રસ્ટ છે. તંત્રની નોટીસ જોઈ, તેમાં વાંધા અરજી માટે નિયમ મુજબ ૩૦ દિવસનો સમય આપવાનો હોય છે, તેની બદલે ૧૦ દિવસનો અપાયો છે. નોટીસમાં જણાવ્યા મુજબ અમે ગઈકાલે વાંધા અરજી રજૂ કરવા માટે સીટી સર્વેની કચેરીમાં ગયા હતા, પરંતુ ત્યાંથી કલેક્ટર કચેરીમાં જવા જણાવ્યુ અને વાંધા અરજીનો સ્વીકાર કર્યો નથી. જેથી અમે આર.પી.એ.ડી. કરી દીધી છે. આ મામલે જિલ્લા કલેક્ટર સામે નડિયાદ કોર્ટમાં ૩ દાવા ચાલી રહ્યા છે. જેમાં એક મેં કર્યો છે, બીજો બાબુ ચીમનાની અને ત્રીજો રીમાન્ડ હોમના ટ્રસ્ટે કર્યો છે, કલેક્ટરે કોર્ટમાં જવાબ પણ આપ્યો છે.


Google NewsGoogle News