રતનપુરમાં 54 બાળકો સહિત 132 લોકોને ઝાડા-ઉલટી
- પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો, ગ્રામજનોમાં ભારે ફફડાટ, માતર તાલુકાના
- આરોગ્ય વિભાગની 10 ટીમો ગામમાં ઉતારાઇ, ખાનગી દવાખાના, ખેડા સિવિલમાં દર્દીઓને સારવાર અર્થે ખસેડાયા
આ બાબતે સંધાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. જાનીના જણાવ્યા પ્રમાણે ૧૩૨ જેટલા અસરગ્રસ્ત પૈકી ૫૪ બાળકો છે, જેની ઉંમર ૧૨ વર્ષ કરતા ઓછી છે. ત્યારે મેડિકલની ૧૦ ટીમો ગામમાં ઉતારાઈ છે. તેમના દ્વારા સર્વે અને દવા વિતરણની કામગીરી ચાલુ છે. ગટર અને પાણીના અનેક લીકેજ બાબતે પ્રશ્ન હોવા છતાં તે માટે પંચાયત ઘરે કોઈ જવાબદાર હાજર નથી.
આરોગ્યની ટીમ દ્વારા ગામમાં આવેલા બંને બોરના પાણીના સેમ્પલ તપાસ માટે વાસ્મો અને બે દર્દીના સ્ટુલ સેમ્પલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલાયા છે. અત્યારે ખાસ કરીને બાળકો વધુ અસરગ્રસ્ત બન્યા છે અને ખેડા શહેરમાંથી પણ કેટલાક નવા દર્દીઓ સિવિલમાં દાખલ થયા છે. ત્યારે બાળકોનો વોર્ડ દર્દીઓથી ભરચક બન્યો હોવાથી આ વોર્ડની બહાર પગથિયાં પાસે ખુલ્લામાં વધારાના બેડ તૈયાર કરાયા હતા. સિવિલનો જનરલ વોર્ડ પણ દર્દીઓથી ભરાયેલો જોવા મળ્યો હતો. રતનપુર ગામે છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું રાજ છે. અને આજે જાહેર રજા હોવાથી પંચાયત ઘર બંધ હતું. ચૂંટાયેલા જનપ્રતિનિધિના અભાવે વહીવટી તંત્ર નાગરિકોની સુવિધા બાબતે ઉણું ઉતર્યું હોવાનું લોકો જણાવે છે.
ગ્રામજનો વધુમાં જણાવે છે કે ગટર પાણીના અનેક લીકેજ છેલ્લા ઘણા મહિનાથી જાહેરમાં દેખાય છે આ સાથે ભયંકર ગરમી અને ખુલ્લી ગટરમાં વહેતા પાણી રોગચાળાને આમંત્રણ આપે એવી સ્થિતિમાં આ બાબતે રજુઆત છતાં તલાટી અને વહીવટદાર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી.