ખેડા જિલ્લામાં 18 દિવસમાં 130 એકમોને નોટિસ ફટકારી, 3 એકમો સીલ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં 18 દિવસમાં 130 એકમોને નોટિસ ફટકારી, 3 એકમો સીલ 1 - image


- રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગી કાર્યવાહી આદરી

- મોટાભાગની હોસ્પિટલોમાં ઈમરજન્સી એક્ઝિટનો અભાવ : ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ તેનું ટેસ્ટિંગ કર્યા પછી જનતા માટે ખૂલ્લા મૂકાશે

નડિયાદ : રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા ખેડા જિલ્લા તંત્રએ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. જેમાં નડિયાદ ફાયર વિભાગે બુધવારે જિલ્લામાં શાળાઓ, હોસ્પિટલ્સ સહિતના એકમોમાં મેગા સર્ચ હાથ ધર્યું હતું. દરમિયાન અનેક હોસ્પિટલોમાં ઈમરજન્સી એક્ઝિટ ના હોવાનું સામે આવ્યું હતું. અગ્નિકાંડથી ૧૮ દિવસમાં તંત્ર દ્વારા ૧૩૦થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.તેમજ બે થિયેટર સહિત ત્રણ એકમોને સિલ મારવામાં આવ્યા છે.  

ખેડા જિલ્લામાં ફાયર વિભાગ, નગરપાલિકા તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ જિલ્લાના વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી અને એનઓસી સહિતની બાબતોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૫૦થી વધુ સ્થળોએ ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

જિલ્લામાં હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, કોમર્શીઅલ બિલ્ડિંગ્સ, શોપિંગ મોલ, થિયેટરો, હોસ્પિટલ્સ સહિતના ૧૩૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટાભાગની હોસ્પિટલ્સમાં ઈમરજન્સી એક્ઝીટનો અભાવ હોવાનું સામે આવ્યું હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું છે.  

નડિયાદ શહેરમાં ૧૫૦માંથી ૬૫ જેટલા એકમોમાં ફાયર એનઓસી મામલે તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી ૫૯ એકમોને નોટિસ ફટકારાઈ છે. 

જિલ્લા ઈન્ચાર્જ ફાયર અધિકારી અને સ્ટેશન ફાયર નડિયાદના ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે,રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા પરિપત્ર મળતા જ નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં નાની નાની ક્ષતિઓ સામે આવતા આ તમામ કોમર્શીઅલ એકમોને સૂચનો અપાયા હતા. ઉપરાંત ૧૫૦થી વધુ એકમો હાલ સુધી તપાસણી કરાયા છે. જેમાં અંદાજીત ૧૩૦ જેટલા એકમોને નોટિસ ફટકારી છે. 

હાલ સુધી સમગ્ર જિલ્લામાંથી ૩ જેટલા એકમો સીલ કરાયા છે. નડિયાદની બે ટીમો અને દરેક તાલુકા મથકે પાલિકા દીઠ એક એક ટીમ હાલ પણ આ કામગીરી કરી રહી છે. ફાયર સિસ્ટમ લગાવાશે તે બાદ જ વર્ક ઓર્ડર અપાશે. તે બાદ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાયા પછી જ આ એકમો જાહેર જનતા માટે ઓપન થાય તેવી સરકારની ગાઈડ લાઈન છે જે મુજબ પ્રક્રિયા હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

તેમજ મોટાભાગની હોસ્પિટલોમાં ઇમરજન્સી એક્ઝીટનો અભાવ હોવાનું સામે આવ્યું હોવાનું અને હાલ પણ આ ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે તેમ જણાવ્યું હતું. 


Google NewsGoogle News