Get The App

ઠાસરામાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે 11 આરોપીઓની ધરપકડ

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ઠાસરામાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે 11 આરોપીઓની ધરપકડ 1 - image


- પાલિકાના એક પૂર્વ કાઉન્સિલર, 2 ચાલુ ટર્મના અપક્ષ કાઉન્સિલરોની પણ ધરપકડ કરાઇ

- વીડિયો અને સીસીટીવી ફૂટેજના ટેકનીકલ એનાલિસિસ માટે ટીમ કામે લાગી, વધુ લોકોની ધરપકડની આશંકા

ઠાસરા,નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં શુક્રવારે નીકળેલી શિવજીની નગરયાત્રા ઉપર થયેલા પથ્થરમારા બાદ હાલમાં નગરમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા આ મામલે કુલ ૧૧ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી બે આરોપીઓ ઠાસરા નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર છે. હાલમાં પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. જે મસ્જિદ ઉપરથી પથ્થરમારો કરવામાં આવ્યો ત્યાં પણ આજે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઠાસરામાં હાલ અજંપાભરેલી શાંતિ જોવા મળી રહી છે. પોલીસે મોબાઇલના વીડિયો અને સીસીટીવી ફૂટેજ એકઠા કરીને ટેકનીકલ એનાલીસીસ ટીમ દ્વારા ચકાસણી કરાઇ રહી છે. તે જોતા આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવી પુરેપુરી શક્યતા છે. 

ઠાસરામાં શુક્રવારે શ્રાવણ માસના અંતિમ દિવસે ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા તીન બત્તી વિસ્તારમાં પહોંચી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને ભારે તંગદિલી ફેલાઈ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ઠાસરા દોડી ગયો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. 

આ હુમલામાં શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ ઉપરાંત ત્રણ પોલીસ કર્મચારીઓને પણ ઈજા થઈ હતી. ઘટના બાદ પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધીને સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ મામલે મહંમદ અબરાર રિયજુદિંન સૈયદ, અસ્પાકભાઈ નજીમમિયાં બેલીમ, જયીદ અલી મહંમદઅલી સૈયદ,

રૂકમુદિંન રિયાકત અલી સૈયદ, ફિરોઝ મજીદખાન પઠાણ, સૈયદ નીયાજઅલી મહેમુદઅલી, પઠાણ ઈમરાનખાન અલીખાન, સૈયદ ઈર્શાદઅલી કમરઅલી, સૈયદ શકીલઅહેમદ આસિફઅલી, મલેક સબીરહુસેન અહેમદમિયા, તેમજ જુનેદ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાંથી મહંમદ અબરાર રિયાજુદ્દીન સૈયદ તેમજ રૂકમુદ્દીન રિયાકતઅલી સૈયદ ઠાસરા નગરપાલિકાના ચાલુ બોડીના સભ્ય છે. હાલમાં નગરમાં અજંપા ભરી શાંતિ વચ્ચે એક ડીવાયએસપી, ચાર પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત ૨૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત છે. 

શુક્રવારે શિવજીની શોભાયાત્રા ઉપર ઇંટ અને પથ્થરોનો મારો કરવામાં આવ્યો હતો. નગરમાં આવેલી મસ્જિદ ઉપરથી થયેલાં પથ્થરમારાને લઈને પોલીસ આજે જ્યારે તપાસ કરવા પહોંચી ત્યારે મસ્જીદની અગાસી ઉપર મોટી સંખ્યામાં મેટલ (કાળા પથ્થર) તેમજ ઈંટો મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઈંટો અને મેટલ જુના હોવાનું જણાઈ આવ્યું હતું, પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પથ્થરમારાના વીડિયોે તેમજ જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે, તેના આધારે પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલના તબક્કે નગરમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. 

દાદાગીરી કરીને ડીજે બંધ કરવાનું કહ્યું, મદ્રેસા પરથી પથ્થરમારો કર્યો

વિજયભાઈ શનાભાઇ પરમાર તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શોભાયાત્રા જ્યારે મદ્રેસા પાસે પહોંચી ત્યારે ઠાસરા નગરપાલિકાના સભ્ય અને અન્ય લોકો દ્વારા તમારા ડીજેના ગીતો જોરથી વગાડવાનું બંધ કરી દો, આગળ અમારી મદ્રેસા છે તેમ કહીને હિંદુ આગેવાનો ઉપર ઉશ્કેરાઇને ડીજે સાઉન્ડ બંધ કરાવ્યા બાદ આ ઈસમો મદરેસા તરફ ગયા હતા અને પછી મદ્રેસાના ધાબા પરથી તેમ જ આસપાસના મકાનો ઉપરથી લઘુમતી સમાજના લોકોએ કિલકારીઓ પાડીને પથ્થરમારો કર્યો હતો. 

સામે પક્ષે ઝાહિદ અલી મોહમ્મદ અલી સૈયદે જણાવ્યું હતું કે, હુસેની ચોકમાં યાત્રા આવી ત્યારે ઝંડો ચઢાવવા બાબતે તકરાર થઈ હતી. બાદમાં સૈયદવાડા નાકા પાસે શોભાયાત્રામાં સામેલ એક શખ્સ હાથમાં તલવાર લઈ ઉશ્કેરાણી કરતો હતો અને ડી.જે.ના અવાજે કિલકારીઓ કરી અપશબ્દો બોલતો હતો અને બાદમાં પથ્થરમારો થયો હતો. ત્યારે પોલીસ તરફે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, ઠાસરા નગરપાલિકાના સભ્ય સહિતના મુસ્લિમ કોમના માણસો ખોટો આક્ષેપ કરવા લાગેલ કે શોભાયાત્રામાંથી કોઈ ગાળો બોલે છે અને શોભાયાત્રાના ડી.જે સાઉન્ડ બંધ કરાવવા માટે જીદ કરવા લાગ્યા હતા અને નગરપાલિકાના સભ્યો મદ્રેસા તરફ ગયા બાદ પથ્થરમારો શરૂ થયો હતો.

વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી

ડાકોરઃ સમગ્ર ઘટનામાં ડાકોરના મહંત શ્રી વિજયદાશજી મહારાજ જે આ શોભાયાત્રાના મુખ્યમહેમાન હતા અને જે આ શોભાયાત્રામાં શિવજી સાથે બિરાજમાન હતા તેમનું એવું કહેવું છે કે આ ઘટના એટલી હિંદુધર્મ માટે શરમજનક છે કે  હિન્દુસ્તાનમાં રહીને આ વિધર્મીઓ ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમને કાયદાની પણ બીક નથી,  જે ખરેખર તે એક ગંભીર ઘટના ગણાય,   તેમની સામે સરકાર કડક પગલાં ભરીને એક ઉદાહરણ પુરૂ પાડે  તેવી માગણી મહંત શ્રી વિજયદાસજી દ્વારા કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓના નામો

(૧) મહંમદ અબરાર રિયજુદિંન સૈયદ આ પણ ઠાસરા નગર પાલિકા ના ચાલુ બોડી ના સભ્યો. અપક્ષ સભ્ય., (૨) અસ્પાકભાઈ મજીમ મિયાં બેલીમ, (૩) જયીદ અલી મહંમદ અલી સૈયદ, (૪) રૂકમુદિંન રિયાકત અલી  ઠાસરા નગર પાલિકા ના મેમબર.અપક્ષ સભ્ય., (૫) ફિરોઝ મજીદ ખાન પઠાણ પૂર્વ સભ્ય ઠાસરા નગરપાલીકા, (૬) સૈયદ નીયાજઅલી મહેમુદઅલી, (૭) પઠાણ ઈમરાન ખાન અલી ખાન, (૮) સૈયદ ઈર્શાદ અલી કમર અલી, (૯) સૈયદ શકીલ અહેમદ આસિફ અલી, (૧૦)  મલેક સબીર હુસેન અહેમદ મિયા, (૧૧) જુનેદ અલી આસિફ અલી સૈયદ 

પથ્થરમારા સંદર્ભે 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી

પથ્થરમારામાં એક પીએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મીઓને ઇજાઓ થઇ હતી આ મામલે પોલીસ તરફથી પણ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે  અપોકો નારાયણભાઈ રઈજીભાઈ (બ.નં-૧૫૬૮) દ્વારા  મહંમદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ, લકેત અલી, આદિલ, સૈયદ મહંમદ અમીન મન્સુરઅલી તથા આશરે ૭૦ એક માણસો તથા શોભાયાત્રામાંથી પથ્થરમારો કરનાર ઇસમો સામે ફરિયાદ નોંધાવાઇ છે. બીજી ફરિયાદ ઝાહિદઅલી મહંમદઅલી સૈયદ દ્વારા હિન્દુ કોમના આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવાઇ છે. ત્રીજા ફરિયાદ વિજય કુમાર શનાભાઇ પરમાર દ્વારા મહંમદ અબરાર રીયાજુદ્દીન સૈયદ, અસ્પાક મજીમમીયા મલેક, જઇદઅલી મહંમદઅલી સૈયદ, અતિક મલેક, અહદ સૈયદ (ઈકો ગાડી વાળો), હારુન પઠાણ, રૂકમુદ્દીન રિયાકતઅલી સૈયદ, ફિરોજ મજીદખાન પઠાણ, ઈદ્રીશ ઉર્ફે કાલુ, જુનેદ, તનવીર સૈયદ (લવલી સ્ટુડિયો વાળો), ફેજાન સૈયદ (આઇસર ગાડીવાળો), ફઈમ બેટરી, જાબીરખાન ઇનાયતખાન પઠાણ, ચિકન, અલ્તાફખાન મુખ્તયારખાન પઠાણ તથા ૫૦ મુસ્લિમ કોમના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Google NewsGoogle News