લંડનમાં નોકરીની લાલચ આપી નડિયાદના દંપતી સાથે 11.25 લાખની છેતરપિંડી
- માતા, પુત્ર સહિત 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
- સાથે નોકરી કરતી મહિલાએ પતિ-પત્નીને વિશ્વાસમાં લીધા ફાઈલના કામ સહિતના ચાર્જ પેટે રૂપિયા પડાવી ત્રિપૂટીએ ઠગાઈ આચરી
નડિયાદ મંજીપુરામાં ચિરાગભાઈ કનુભાઈ પટેલ અને તેમની પત્નીને લંડનમાં જોબ કરવા ફાઇલ તૈયાર કરાવવા એજન્ટની શોધમાં હતા.
દરમિયાન મંજીપુરા સંતરામ નગર સોસાયટીમાં રહેતા અને સાથે નોકરી કરતા લતાબેન મહેન્દ્રભાઈ જયસ્વાલે ઓળખીતા એજન્ટ ત્રણ મહિનામાં લંડનના વિઝા અપાવી દેશે તેઓ વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ તા.૧૯/૯/૨૨ના રોજ લતાબેન, તેમનો દીકરો કશ્યપ તેમજ નીરવ પંડયા ત્રણેય ચિરાગભાઈ પટેલના ઘરેથી ફાઈલનું કામ શરૂ કરાવવા રૂા. ૧૫ હજાર ખર્ચ પેટે રોકડા લઈ ગયા હતા. ત્યારબાદ તા.૨૨/૯/૨૨ના રોજ તમારી ફાઈલનું કામ શરૂ થઈ ગયું છે, ફાઈલ તેમજ બીજા ચાર્જના રૂ.૧,૧૦,૦૦૦ જ્યારે મેડિકલ કરવા માટે રૂ.૧૦,૦૦૦ આપવામાં આવ્યા હતા. તા.૫/૧૦/૨૨ના રોજ લતાબેને ચિરાગભાઈના ઘરે જઈ જણાવેલું કે, તમારા બંનેનું એડમિશન થઈ ગયું છે કહી રૂ.૨ લાખ ત્યારબાદ તા.૬/૧૦/૨૨ના રોજ રૂ.૪ લાખ રોકડા તેમજ વિઝા માટે રૂ.૩ લાખ જ્યારે તા.૨૦/૩/૨૩ના રોજ રૂ. ૯૦ હજાર જુદા જુદા ચાર્જ પેટે લઈ ગયા હતા.
આ લેભાગુ ત્રિપુટીએ ત્રણ મહિનામાં લંડન મોકલી આપવાનો વિશ્વાસ અપાવ્યા બાદ ફોન નહીં ઉપાડી સંતોષકારક જવાબ નહીં આપી લતાબેન જયસ્વાલ તેમના દીકરા તેમજ નિરવ પંડયાએ લંડનના વિઝા કે રૂ.૧૧,૨૫,૦૦૦ પરત ન આપે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
આ બનાવ અંગે ચિરાગભાઈ કનુભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લત્તાબેન મહેન્દ્રભાઈ જયસ્વાલ, કશ્યપ મહેન્દ્રભાઈ તેમજ નિરવ નરેશભાઈ પંડયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.