નડિયાદમાં ગાંજા સાથે ઝડપાયેલા 2 શખ્સોને 10 વર્ષની સખત કેદ
- અન્ય એક આરોપીને 7 વર્ષની સખત કેદ
- અઢી વર્ષ અગાઉ પીજ રોડ પરથી બે પરપ્રાંતિય શખ્સો 4 કિલો ગાંજા સાથે ઝડપાયા હતા
નડિયાદના શ્રેયસ ગરનાળા પાસે પીજ રોડ ઉપરથી નડિયાદ પશ્ચિમ પોલીસે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૨ની રાત્રે ૧૧ વાગ્યે મહંમદ શહેરોજ ઉર્ફે રોનક મહંમદ સલાઉદ્દીન મહંમદ નશરૂદ્દીન અંસારી (ઉં.વ. ૧૯) અને સોનુકુમાર ગબુશંકર ખટીક (ઉં.વ.૨૧, બંને રહે. સાસારામ, જિ. રોહતાશ, બિહાર, હાલ રહે. પીજ ચોકડી, ઉત્સવ ફૂડ કંપની ક્વાટર્સ, તા.વસો)ને પાસ પરમિટ વગરના ૪ કિલો ગાંજા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે પુછપરછ હાથ ધરતા આ ગાંજો કનુભાઈ શીવાભાઈ પરમાર (ઉં.વ. ૪૪, રહે. શીહોલડી, દાદુપુરા સીમ વિસ્તાર, માતર)ને વેચવા જતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે રૂ. ૪૦ હજારના ગાંજાનો જથ્થો જપ્ત કરી ત્રણ શખ્સો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ કનુભાઈ પરમારને પણ ઝડપી પાડી ત્રણેય શખ્સો વિરૂદ્ધ નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ નડિયાદની સ્પેશિયલ કોર્ટ (એનડીપીએસ)માં ચાલી જતાં ન્યાયાધીશ પી.પી. પુરોહિતે વકીલની દલીલો, ફરિયાદ પક્ષે સાહેદોના ૯ મૌખિક પુરાવા, ૨૭ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આરોપી મહંમદ શહેરોજ ઉર્ફે રોનક મહંમદ સલાઉદ્દીન મહંમદ નશરૂદ્દીન અંસારી અને સોનુકુમાર ગબુશંકર ખટીકને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા દરેક આરોપીને રૂ.૧,૦૦,૦૦૦નો દંડનો હુકમ કર્યો હતો. તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે આરોપી કનુભાઈ શીવાભાઈ પરમારને ૭ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૨૫,૦૦૦નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.