જનરલ બોર્ડના 10 ઠરાવો અને પ્રમુખ સ્થાનેથી 10 કામોને સર્વાનુમતે મંજૂરી
- નડિયાદ પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ
- પેટલાદ રોડ પરની સોસાયટીમાં સીસી રોડ બનાવવા સહિતના કામોને બહાલી અપાઈ
નડિયાદ નગરપાલિકાની સોમવારે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ૧૦ કામોના ઠરાવને બહાલી અપાઈ હતી. તેમજ પ્રમુખ સ્થાનેથી લેવાયેલા ૧૦ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ ઠરાવોમાં મહાસુદ પૂનમના મેળામાં ઈપ્કોવાળા ગ્રાઉન્ડને ભાડેથી આપવા અપશેટ કિંમત અને શરતો મંજૂર કરાઈ હતી. તેમજ પેટલાદ રોડ પરની સોસાયટીમાં સીસી રોડ બનાવવા માટે ૧૦ ટકા રકમ પાલિકાના ભંડોળમાંથી અને અન્ય સરકારમાં દરખાસ્ત કરવા બાબત, ક્લોઝ બોડી ટ્રોલીને બદલે ૩૫ નંગ હાથલારીની પોર્ટલ પર ખરીદી કરવા નિર્ણય, નાના કુંભનાથ રોડ પર બાલમંદિર હેતુસર આપવાના કામો સહિતના કામોને બહાલી આપવામાં આવી છે. તેમજ ડભાણ ભાગોળ નજીક શંખેશ્વર મહાદેવ મંદિર પાસે જૂની જર્જરિત મૂતરડી આવેલી છે. જે દૂર કરવા અંગે પૂજારી દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ મૂતરડી તોડી પાડવાનો ઠરાવ પણ મંજૂર કરાયો છે. નોંધનીય છે કે, પાલિકાની સામાન્ય સભા નિયમિત રીતે ડિસેમ્બરમાં યોજાય છે, જે તેના નિયત સમયે યોજાશે. વિકાસના કામોને લીલીઝંડી આપવા માટે સોમવારે ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું.
વોર્ડ નં. 4,5 અને 6 ના લોકો સામે પાલિકા ઓરમાયું વર્તન રાખે છે : અપક્ષ કાઉન્સિલર
સામાન્ય સભા દરમિયાન અપક્ષ કાઉન્સિલર માજીદ ખાને જણાવ્યું હતું કે, પાલિકાના વોર્ડ નં.૪,૫ અને ૬માં પાલિકોા તરફથી કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ આ બોર્ડમાં ૧૫થી ૨૦ રોડ એવા લેવાયા છે, જે ટૂંક સમય અગાઉ જ બનેલા છે, જ્યારે ઉપરોક્ત વોર્ડમાં ઘણા વર્ષોથી રોડ બન્યા જ નથી, પાલિકા દ્વારા આ વોર્ડના તમામ લોકો સામે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.
અપક્ષ સભ્યએ કરેલા આક્ષેપો તથ્ય વિહોણા છે : પાલિકા પ્રમુખ
પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૬ના સભ્યએ કરેલા આક્ષેપો તથ્ય વિહોણા છે. વોર્ડ નં.૪ અને ૫માં વિકાસના કામો થયા છે. હાલ વોર્ડ નં.૬ના સભ્યોના કામો હાથમાં લીધેલા છે. આગામી દિવસોમાં ગ્રાન્ટ આવશે, તેમના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.