ખેડા જિલ્લામાં અઠવાડિયામાં હીટસ્ટ્રોકનાં 10 કેસ નોંધાયા
- જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો
- ગરમીના લીધે 2 વ્યક્તિ બેભાન, હાઈ ફીવરના 6 કેસ નોંધાયા
નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સૌથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગત શુક્રવાર અને શનિવારે જિલ્લાનું તાપમા ૪૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રવિવારે અને સોમવારે મહતમ તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચતા જિલ્લાવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમજ આ અઠવાડિયામાં તાપમાનનો પારો હજૂ વધવાની સંભાવના છે.
ગત અઠવાડિયામાં હીટ સ્ટ્રોકના ૧૦ કેસો નોંધાયા છે. જિલ્લાની ૧૦૮ ઈમરજન્સી સેવાને મળેલા કોલ મુજબ, તા.૧૩મે થી ૧૯ મે દરમિયાન ચક્કર આવવાથી બેભાન થવાના બે કેસ, હાઈફિવરના ૬ કેસ, ઝાડા-ઉલટીના બે કેસ નોંધાયા છે. જેમને ૧૦૮ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.
નડિયાદ બાર એસોસીએશનનો ઠરાવ
નડિયાદ બાર એસોસિયેશનની તાકીદની કારોબારીની બેઠક મળી હતી. જેમાં હાલની કાળઝાળ ગરમી તથા આગામી તા.૨૨ મે સુધી જાહેર કરાયેલા યલો એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા ન્યાયાધીશ તથા અન્ય તમામ ન્યાયાધીશોને વિનંતી કરી છે કે, તા.૨૩મી મે સુધી વકીલ મિત્રો કે પક્ષકારોની સંભવિત ગેરહાજરીમાં જે-તે કેસનું પ્રવર્તમાન સ્ટેજ ચાલુ રાખવામાં આવે તથા ગેરહાજરી માત્રના કારણે તેઓ વિરૂદ્ધ કોઈ વિપરીત હુકમ ન કરવા વિનંતી કરતો ઠરાવ કર્યો છે.