મહિસાગર નદીની કોતરમાંથી 58.65 લાખના વિદેશી દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો, 3 ફરાર
- થર્ટી ફસ્ટની ઉજવણી પહેલા મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત
- વિદેશી દારૂ નકલી હોવાની શંકા, અગાઉ આઠ માસ પહેલા બુટલેગર પાસેથી મળેલા દારૂની કોઇ ફેક્ટરી કે કંપની જ પોલીસે મળી નહોતી
જેથી હવે નકલી અને બનાવટી દારૂનો પણ વેપલો થતો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ વચ્ચે આ બુટલેગરો પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૫૮ લાખના વિદેશી દારૂ સહિત ૭૫ લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખેડા જિલ્લામાં સિરપકાંડમાં ૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મુદ્દો ૭ આરોપીઓને પોલીસે પકડયા છે અને આંતરરાજ્ય રેકેટ હોવાનું ખુલ્યુ હતુ. આ બાદ મુંબઈ કનેક્શનવાળા પાઉડરનું પ્રકરણ સામે આવ્યુ હતુ. જેમાં પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેમિકલ યુક્ત પાઉડર અને સિરપ બંને લોકોનો જીવ લઈ શકે એટલા જોખમી હતા. આ વચ્ચે હવે જિલ્લામાં આ જ પ્રકારનો વિદેશી દારૂ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આજે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઠાસરાના વમાલી ગામે મહીસાગર નદીના કોતરામાં દારૂના કટીંગ પર બાતમીના આધારે સપાટો બોલાવ્યો હતો. જેમાં એક બુટલેગર સહિત ૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પરંતુ આ વચ્ચે સૌથી મોટો કોઈ ચર્ચાનો વિષય હોય, તો તે આ પકડાયેલા બુટલેગરોનો અગાઉનો એક કિસ્સો છે. થોડા મહિનાઓ અગાઉ સ્થાનિક પોલીસે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપ્યા હતા. તે વખતે તપાસ કરતા પોલીસને જે દારૂનો જથ્થો ઝડપાયો હતો, તેની કોઈ બ્રાન્ડ અન્ય કોઈ પણ જગ્યાએ મળી નહોતી. દારૂ ગોવાથી લવાયો હોવાની શંકાના પગલે ત્યાં દરોડા પાડતા આવી કોઈ કંપની જ ન હોવાનું ખુલ્યુ હતુ.
જેથી આ દારૂ બનાવટી હોવાની આશંકાઓ સેવાઈ હતી. આ વચ્ચે થર્ટી ફસ્ટ નજીક છે ત્યારે આ જ બુટલેગરો પાસેથી એલ.સી.બી. પોલીસે રેઈડ કરી એક લેલન ટેન્કરમાંથી ૧૨૨૨ નંગ વિદેશી દારૂના બોક્ષ પકડયા છે.
આ બોક્ષમાં કુલ ૫૮,૬૫૬ નંગ ક્વાર્ટર મળ્યા છે. જેની કુલ કિંમત પોલીસે ૫૮ લાખ ૬૫ હજાર ગણી કબ્જે લીધા છે.
તેમજ સ્થળ પર દરોડા દરમિયાન આરોપી સંજય રામાભાઈ પરમાર (ઉં.૨૬, રહે. નીશાળવાળુ ફળિયુ, છીકારીયા, તા.ગળતેશ્વર)ને ઝડપાયો છે.
જ્યારે ૪ ફરાર થઈ ગયા છે. આ લાખોનો દારૂ પણ બનાવટી કંપનીનો હોવાની આશંકાઓ છે. જેથી તેની તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
પોલીસ ત્રાટકી અને 4 આરોપી ભાગી ગયા
ઠાસરાના વમાલીની સીમમાં મહીસાગર નદીના કોતરમાં ચાલી રહેલા લાખોના દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકતા સ્થળ પર અંધારામાં નાસભાગ મચી હતી. જેમાં આરોપી સંજય રામાભાઈ પરમાર ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય ૪ નાસી છૂટયા હતા. જેમાં ઈશ્વર ઉર્ફે ઈશો મનુભાઈ પરમાર (રહે. બળેવીયા, તા. ગળતેશ્વર), વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ (રહે.આગરવા, તા.ઠાસરા), ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અશોકભાઈ રાઠોડ (રહે.કોતરીયા, તા.ઠાસરા) અને અશોક લેલન ટેન્કરના ચાલક ફરાર થઈ ગયા છે.
કટિંગના સમયે જ પોલીસ ત્રાટકી
આજે ક્રિસમસની રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂના મોટા કટીંગ પર સપાટો બોલાવ્યો છે. આગામી દિવસોમાં થર્ટી ફસ્ટ આવી રહી છે. તે વખતે મોટાપાયે વિદેશી દારૂની માગ રહેવાની હોય, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ લાવી તેનું વેચાણ કરવા માટે ટેન્કરમાં લાખોની કિંમતનો દારૂ લવાયો હતો. આ દારૂ ઠાસરા તાલુકાના વમાલી ગામની સીમમાં આવેલી મહીસાગર નદીના કોતરમાં લાવી કટિંગ કર્યાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના પગલે કટિંગના સમયે જ ન્ભમ્ની ટીમ ત્રાટકી હતી.