પીપળાતા રોડ પર બોલેરોએ બાઈકને ટક્કર મારતા 1 નું મોત, 2 ઈજાગ્રસ્ત
- નડિયાદ અને મહુધા તાલુકામાં 2 અકસ્માતના બનાવ
- ખલાડી ચરામાં અચાનક દોડીને રોઝડું આવીને મોટરસાઈકલ સાથે અથડાતા બે વ્યક્તિને ઇજા
નડિયાદ તાલુકાના પીપળાતા મેલડી માતાના ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પરમાર અને ગામના અન્ય બે યુવકો નડિયાદ પાર્થ કેટરર્સમાં નોકરી કરે છે. તેઓ વિષ્ણુભાઈની મોટરસાઈકલ પર અપ-ડાઉન કરતા હતા. તા.૧/૧૨/૨૩ની રાત્રે વિષ્ણુભાઇ મોટરસાઈકલ પર ગામના રમણભાઈ ચંદુભાઈ તથા જીગ્નેશભાઈ કાંતિભાઈ પરમારને બેસાડી નડિયાદથી ઘરે આવતા હતા. ત્યારે પીપળાતા સરકારી આયુર્વેદિક દવાખાના નજીક પુરઝડપે હંકારી આવેલી બોલેરો મોટરસાયકલ સાથે અથડાવી ગાડીનો ચાલક ગાડી લઈને નાસી ગયો હતો. આ અકસ્માત સર્જાતા બાઇક ચાલક સહિત ત્રણેય રોડ પર પટકાતા ઈજા થઈ હતી.
આ બનાવની જાણ થતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ અંગેની જાણ થતા ૧૦૮ વાન આવી જતા ડોક્ટરે વિષ્ણુ ઇશ્વરભાઇ પરમાર (ઉં.વ.૧૯)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રમણભાઈ તથા જીગ્નેશભાઈને ઇજા થઇ હોવાથી સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બંનેને ખાનગી હોસ્પિટલમાં નડિયાદ રીફર કરાયા હતા. આ બનાવ અંગે સતિષભાઈ ઉદેશીંગ સોઢાની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં મહુધા તાલુકાના નગવાલમાં રહેતા હિતેશભાઈ બળદેવભાઈ ચૌહાણ અને તેમનો મિત્ર વનરાજસિંહ માનસિંહ ચૌહાણ તેમના કાકા નરસિંહ કાળાભાઈ ચૌહાણનું મોટરસાયકલ લઈને કરિયાણું લેવા મહુધા જતા હતા. ત્યારે ખલાડી ગામના ચરામાંથી અચાનક દોડીને રોઝડું આવતા મોટરસાયકલ સાથે અથડાયું હતું. જેથી બ્રેક મારતાં બાઈક સવાર બંને રોડ પર ફંગોળાઈ જતા ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હિતેશ બળદેવભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવતા મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.