'અમારે વિકાસ નથી જોઈતો, વિસ્તારમાં આવતુ પ્રદુષિત પાણી બંધ થવુ જોઈએ'

- ચૂંટણી પ્રચારમાં આવેલા ભાજપના હોદ્દેદારો ગ્રામજનોએ રોકડુ પરખાવ્યું

- વિસાવદરના નાના-મોટા કોટડા ગામો સહિતના વિસ્તારમાં ધોલાઈ ઘાટના પ્રદુષિત પાણીથી સમસ્યા: ખેતી બરબાદ થઈ જવાની ભીતિ

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
'અમારે વિકાસ નથી જોઈતો, વિસ્તારમાં આવતુ પ્રદુષિત પાણી બંધ થવુ જોઈએ' 1 - image



જૂનાગઢ,તા. 6 એપ્રિલ 2019, શનિવાર

વિસાવદર તાલુકાના નાના કોટડા - મોટા કોટડા સહિત ૧૧ જેટલા ગામમાં ધોલાઈ ઘાટના લીધે જમીનના તળમાંથી પણ પ્રદુષિત પાણી આવે છે. ખેડૂતો આ પ્રદુષિત પાણીથી ત્રાહિમામ થઈ ગયા છે. ગઈ કાલે નાના કોટડા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ મંત્રી સહિતના આગેવાનો ચુંટણી પ્રચારમાં ગયા હતા. જ્યાં ગ્રામજનોએ અમારે વિકાસ નથી જોઈતો, પરંતુ વિસ્તારમાં આવતુ પ્રદુષિત પાણી બંધ થવુ જોઈએ એવું રોકડુ પરખાવ્યુ હતું. 

ભેંસાણ તાલુકાના ગુજરીયા તેમજ આસપાસના વિસ્તારમાં એનેક ગેરકાયદેસર ધોલાઈ ઘાટ ચાલી રહ્યા છે. તેમાંથી નીકળતુ પ્રદુષિત લાલ પાણી ઉબેણ નદીમાં ભળે છે. આ પાણી નદીમાં ભળતુ હોવાથી વિસાવદર તાલુકાના નાના મોટા કોટડા, કાનાવડલા, માંગનાથ પીપળી, પીંડાખાઈ સહિતનાં ૧૧ જેટલા ગામના તળમાં લાલપાણી જ આવે છે. આ પ્રદુષિત પાણીથી ખેતીને તથા વિસ્તારના લોકો તેમજ પશુ પક્ષી પર માઠી અસર થઈ રહી છે. જો આમ જ ચાલ્યુ તો વિસ્તારની ખેતી બરબાદ થઈ જશે. આ અંગે વિસ્તારના લોકોએ અનેક રજૂઆતો કરી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

ગઈ કાલે લોકસભા ચુંટણીના પ્રચાર માટે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ,પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા સહિતના આગેવાનો નાના કોટડા ગામે ગયા હતા. જ્યાં રામ મંદિર ખાતે બેઠક યોજી હતી. જેમાં ગ્રામજનોએ ધોલાઈ ઘાટના કારણે પોતાના વિસ્તારમાં આવતા લાલ પાણી અંગે ફરિયાદ કરી હતી.

અને આ બાબતે આગેવાનોને અમારે વિકાસ નથી જોઈતો, વિસ્તારમાં આવતી દુષિત પાણી બંધ થવુ જોઈએ, એવું રોકડુ પરખાવી ઉધડો લીધો હતો. અને વર્ષોથી ભાજપની સરકાર છે. છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તો ભાજપના આગેવાનોએ વિસ્તારમાં પોતાના પક્ષના ધારાસભ્ય ન હોવાનો બચાવ કર્યો હતો. 

પૂર્વ મંત્રી કનુભાઈએ લોકોનો આ પ્રશ્ન સાચો હોવાનો સ્વીકાર કર્યો હતો. બાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ તા.૨૩ના ચુંટણીના દિવસે ભાજપના પક્ષમાં મતદાન કરવા જણાવ્યું હતું. અને મિટીંગ પૂર્ણ કરી હતી.

આમ આ ચુંટણીમાં લોકો પોતાના પ્રશ્નો બાબતે નેતાઓને રોકડું જ પરખાવી દઈ તેનો ઉધડો લેતા પણ થઈ ગયા છે. 


Google NewsGoogle News