Get The App

સોની બંધુઓને બંધક બનાવી 82 લાખની લૂંટ કરનાર ત્રણ પકડાયા

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
સોની બંધુઓને બંધક બનાવી 82 લાખની લૂંટ કરનાર ત્રણ પકડાયા 1 - image


- મેંદરડા તાલુકાના રાજેસર ગામની લૂંટનો ભેદ ઉકેલાયો

- કામધંધો ચાલતો ન હતો અને કુટુંબની જવાબદારી હોવાથી પૈસા માટે સબંધીને મિત્રો સાથે મળી જ નિશાન બનાવ્યાની કબૂલાત

જૂનાગઢ : મેંદરડા તાલુકાના રાજેસરમાં ગત તા.૧ના સોની બંધુઓને બંધક બનાવી  ૮૧.૭૦ લાખના મુદામાલની લૂંટ થઈ હતી. સોની બંધુઓના જાણીતો શખ્સ અને તેના બે મિત્રો ગણોદની સીમમાં આવેલા એક મંદિર નજીક છુપાયા હોવાની બાતમીના આધારે એલસીબીએ ત્રણેય શખ્સોને પકડી લઈ તેઓએ લૂંટ કરેલા સામાનને ગિરનાર જંગલમાં સંતાડયો હોવાથી ત્યાંથી કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં રહેતા સોની વેપારી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ વ્રજલાલભાઈ લોઢીયા તથા તેમના ભાઈ તુલસીદાસ ગત તા.૧ ફેબુ્રઆરીના રાત્રે ઘરે હતા ત્યારે તેનો જાણીતો દિપક અશોક જોગીયા તેમજ તેની સાથે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. થોડીવાર વાતો કર્યા બાદ જીતુભાઈએ તેમને ચા પીવડાવી હતી. જીતુભાઈ પાણી પીવા રસોડામાં જતા જ દિપક જોગીયા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ જીતુભાઈ અને તેના ભાઈ તુલસીદાસને માર મારી ટુવાલના કટકા કરી તેના વડે બાંધી તીજોરીમાંથી સોનાના આઠ બિસ્કીટ, ર૧ કિલો ચાંદી, ૯ લાખ રૂપીયા રોકડા મળી કુલ ૮૧.૭૦ લાખની મતા લૂંટી નાસી ગયા હતા. પોલીસે એફએસએલ તથા ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી હતી પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.

આ દરમ્યાન મુખ્ય આરોપી દિપક અશોક જોગીયા અને લૂંટમાં તેની સાથે સામેલ દિલીપ ઉર્ફે કોઢીયો કોળી અને વિમલ બારોટ ઉપલેટા તાલુકાના ગણોદ ગામ નજીક ભાદર નદીના કાંઠે બનેલા મંદિર નજીક છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પીઆઈ જે.જે. પટેલ સહિતના સ્ટાફે આ સ્થળે જઈ જૂનાગઢના ગોધાવાવની પાટી પાસે, રાજભૂમિ-એ એપાર્ટમેન્ટના બ્લોક નં-૩માં રહેતા દિપક અશોક જોગીયા(ઉ.વ.ર૯), મુળ ગણોદના અને હાલ ગણેશનગરમાં રહેતા દિલીપ ઉર્ફે કોઢીયો રણછોડ વાઘેલા(ઉ.વ.૩પ) અને વિમલ બટુક રેણુકા(ઉ.વ.ર૯)ને બાઈક સાથે રાઉન્ડઅપ કરી એલસીબી ખાતે લાવી પુછપરછ કરી હતી.  પહેલા તો આ ત્રણેયે ગોળગોળ જવાબ આપ્યા હતા બાદમાં ભાંગી પડયા હતા. પોલીસની પુછપરછમાં ત્રણેય શખ્સોએ કામધંધો ચાલતો ન હોવાથી દેવું થઈ ગયું હતું તેમજ કુટુંબની જવાબદારી સંભાળવા પૈસાની જરૂરીયાત હતી. દિપક જોગીયા સોનીની દુકાનમાં કામ કરતો હોવાથી રાજેસરના જીતુભાઈ તથા તેના ભાઈ તુલસીભાઈને જાણતો હતો. તેની પાસે સોના-ચાંદીનો માલ હોવાની પણ તેને ખબર હતી. બંને ભાઈ એકલા રહેતા હોવાથી તે દિવસે જ લૂંટનો પ્લાન ઘડી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ શખ્સોએ આઠ સોનાના બિસ્કીટ, ર૧ કિલો ચાંદી તથા ૯ લાખ રૂપીયા રોકડા ગિરનાર જંગલમાં છુપાવ્યા હોવાનું જણાવતા એલસીબીએ દિપકને સાથે રાખી ગણેશનગરની બાજુમાં આવેલા જંગલમાં જઈ ૮૦.ર૩ લાખની મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ત્રણેય શખ્સની અટકાયત કરી મેંદરડા પોલીસના હવાલે કર્યા હતા. 

રમકડાંની લાઈટરવાળી બંદુક વિરપુરથી ખરીદી હતી

દિપક જોગીયા અને તેના બંને મિત્રોએ લૂંટનો પ્લાન ઘડી તે દિવસે વિરપુર ગયા હતા. ત્યાંથી રમકડાની લાઈટર વાળી બંદુર ખરીદી હતી. આ રમકડાની બંદુક અને છરી બતાવીને સોની બંધુઓને ડરાવ્યા હતા અને તેને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી.

બે આરોપી સામે દારૂના ગુના દાખલ થયેલા છે

લૂંટના મુખ્ય આરોપી દિપક જોગીયા સામે ર૦૧૭ના વર્ષમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો દાખલ થયો હતો. જ્યારે દિલીપ વાઘેલા સામે ર૦૧૮માં શીલ પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો દાખલ થયો હોવાનું એલસીબીના અધિકારીએ જણાવ્યું હતું.


Google NewsGoogle News