જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 11 દુકાનોમાં ચોરી કરનાર ત્રણ રીઢા તસ્કર ઝડપાયા
- આંતર જિલ્લાની કુલ 54 ચોરીનો ભેદ ઉકેલાયો
- સોનાના દાગીના, 4.57 લાખ રોકડા, લેપટોપ, ટી.વી. સહિત 12.31 લાખનો મુદ્દામાલ કબ્જે, રાજકોટ ગ્રામ્યમાં ૨૬ તથા શહેરમાં બે ચોરી કર્યાની કબુલાત
જૂનાગઢ, તા.19 ઓગસ્ટ 2019, સોમવાર
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ગત તા. ૬થી ૭ ઓગષ્ટના ૧૧ દુકાન તોડી ૨૩.૩૭ લાખની મતાની ચોરી કરનાર જેતપુરના બે તથા મજેવડીના એક રીઢા તસ્કરની એલસીબીને માખીયાળા નજીકથી ધરપકડ કરી ૧૨.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ રીઢા તસ્કરોએ રાજકોટ, જૂનાગઢ, મોરબી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં કુલ ૫૪ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને આ ૫૪ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
જૂનાગઢના દોલતપરામાં આવેલા માર્કેટીંગ યાર્ડની પાછળની બાજુએથી ફેન્સીંગને કાપી યાર્ડના પાછળના વિસ્તારમાં આવેલી ૧૧ દુકાનોના નકુચા તોડી ૧૩.૩૭, ૫૧૫ રૂપિયા રોકડા તથા ૧૦ લાખના દાગીના મળી કુલ ૨૩.૩૭ લાખની મતાની ચોરી થઈ હતી. આ બનાવ બાદ એસપી સૌરભસિંહે બનાવ સ્થળે જઈ ડીવાય.એસ.પી. પી.જી. જાડેજાના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝનની ટીમો બનાવી હતી અને સીસી ટીવી ફુટેજના આધારે તપાસ થઈ હતી. આ દરમ્યાન યાર્ડમાં ચોરી કરનાર તસ્કરો મજેવડીથી માખીયાળા થઈ વડાલથી જેતપુર જવાના હોવાની બાતમી મળી હતી.
જેના આધારે એલસીબી પી.આઈ. આર.કે. ગોહિલ, એસઓજી પીએસઆઈ સહિતની ટીમે વડાલથી માખીયાળા ગામ તરફ જતા રેલવે ફાટકથી આગળના વળાંક પર વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા જેતપુરના મુકેશ ઉર્ફે મુકો વલ્લભ રાજાણી તથા ભરત બચુ સુરેલાને રોકી તલાસી લેતા તેની પાસેથી રોકડ તથા દાગીના મળ્યા હતા. જેને એલસીબી કચેરીએ લાવી પૂછપરછ કરતા બંનેએ મજેવડીના સોમા ઉર્ફે સોમલ ઉર્ફે ભોજો ભાણજી પરમાર સાથે મળી યાર્ડમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આ શખ્સો પાસેથી ૪.૫૭ લાખ રોકડા, સોનાના દાગીના, એક બાઈક, ટી.વી., લેપટોપ તથા મોબાઈલ ફોન મળી કુલ ૧૨,૩૧,૮૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ તસ્કર ત્રિપુટી અંગે એસ.પી. સૌરભસિંહે જણાવ્યું હતું કે આ ત્રણેયે જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય તથા શહેર, મોરબી, જામનગર પંથકમાં ૫૪ જેટલી ચોરી કર્યાની કબુલાત આપી છે. મુકેશ તથા ભરત પાંચેક વર્ષ પહેલા મજેવડીમાં થયેલી દૂધની ડેરીમાં ચોરીમાં પકડાયેલા છે. જ્યારે ભરત સુરેલા તથા સોમા ઉર્ફે સોમલ જોષીપરામાં મોબાઈલની દુકાનની ચોરીમાં પકડાયા છે. ભરત સુરેલા અગાઉ મારામારીમાં તથા દારૂના કેસમાં પણ પકડાયો છે. આ રીઢા ત્રણેય તસ્કરો પકડાતા સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જિલ્લામાં થયેલી ૫૪ ચોરીનો ભેદ ઉકેલાયો છે. વધુ મુદ્દામાલ કબ્જે કરવા તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
યાર્ડમાંથી ચોરી કરી જેતપુર જઈ રૂપિયાના ભાગ પાડયા હતા
ચોરી કરવા માટે ભરત સુરેલા તથા મુકેશ ઉર્ફે મુકો ૨૦ દિ' પહેલા જેતપુરથી જૂનાગઢ યાર્ડ ખાતે જગ્યા જોવા આવ્યા હતા અને ત્યારે પરત જતા રહ્યા હતા. તા. ૬ના રાત્રે સાડા નવેક વાગ્યે જેતપુરથી જૂનાગઢ આવી ૧૧ વાગ્યે યાર્ડની આસપાસ આંટો મારી પાછળની ગલીમાં બાઈક રાખી દોઢેક કલાક ત્યાં બેઠા હતા અને રાત્રે બે વાગ્યા આસપાસ પાછળની દિવાલ પર ચડી તાર કાપી બુટ ચપ્પલ ત્યાં ઉતાર્યા હતા. આ વખતે મુકેશે મોં પર રૂમાલ તથા ભરત સુરેલાએ મોં પર વાંદરા ટોપી પહેરી લીધી હતી. ૧૩ દુકાન તોડી હતી. તેમાંથી ૧૧માંથી રોકડ-દાગીના મળ્યા હતા. બાદમાં પાછળની દિવાલ કુદી બાઈક પર જેતપુર પરત જતા રહ્યા હતા અને સવારે પૈસાના ભાગ પાડયા હતા.
જૂનાગઢ જિલ્લાની 21, રાજકોટ ગ્રામ્યમાં 26 સહિત 54 ચોરી કરી હતી
આ ત્રણેય રીઢા તસ્કરોએ જૂનાગઢ યાર્ડ, ઉપરાંત જીઆઈડીસીમાં આવેલા કારખાના, વડાલ નજીક, જેતલસર, જેતપુર, ધોરાજી, જામજોધપુર, મોરબી, જામકંડોરણા, રાજકોટ, વિસાવદર, ઉપલેટા સહિતના સ્થળે ૫૪ ચોરી કરી હતી. આ ત્રણેય શખ્સ પકડાતા જૂનાગઢ જિલ્લાની ૨૧, રાજકોટ ગ્રામ્યની ૨૬, મોરબીની-૨, જામનગરની ૩ અને રાજકોટ શહેરની બે ચોરીનો ભેદ ઉકેલાયો છે.
ત્રણેય દારૂ તથા જુગારની કુટેવથી કરતા હતા ચોરી
ત્રણેય રીઢા તસ્કરો જુગાર તથા દારૂની કુટેવ છે. જુગારમાં હારી જતા હોવાથી પૈસાની જરૂરિયાત પુરી કરવા માટે ચોરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.