જૂનાગઢની મધ્યમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાની દયનીય હાલત
- 581મી તપ પ્રયાણ જંયતિની ઉજવણી થઈ પણ
- તળાવ ખાતે આવેલી પ્રતિમા ખંડિત થઈ ગઈ છતાં નથી લેવાતી કોઈ સારસંભાળ
જૂનાગઢ,તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
જૂનાગઢની મધ્યમાં આવેલા તળાવ ખાતે ભક્તિકવિ નરસિંહ મહેતાજીની પ્રતિમા આવેલી છે. પરંતુ આ પ્રતિમાની દયનીય હાલત થઈ ગઈ છે. તેમાં તિરાડ પડી ગઈ છે. છતાં તંત્ર દ્વારા તેની કોઈ સાર-સંભાળ લેવામાં આવી નથી. આજે નરસિંહ મહેતાની ૫૮૧મી તપપ્રયાણ જયંતિ ઉજવાઈ હતી પરંતુ મહેતાજીની પ્રતિમાને સાફ કરવાની પણ તસ્દી લવાઇ ન હતી.
જૂનાગઢની ઓળખ નરસૈયાની નગરી તરીકે થાય છે અને શહેરની મધ્યમાં આવેલા તળાવનું નામ પણ નરસિંહ મહેતા તળાવ રાખવામાં આવ્યું છે.આ તળાવની પાળે ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાની પ્રતિમા આવેલી છે. પરંતુ આ પ્રતિમાની હાલ જર્જરિત હાલત થઈ ગઈ છે.
તેમાં તિરાડો પડી ગઈ છે અને સફાઈ પણ થતી નથી. મનપા તંત્રએ તળાવને નરસિંહ મહેતાનું નામ આપી ત્યાં પ્રતિમા મુકી દીધી હતી. આજે નરસિંહજીની ૧૮૧મી તપપ્રયાણ જયંતિ ઉજવાઈ ગઇ તેમ છતાં આ જર્જરિત પ્રતિમાની મરામત કરવા કે તેની સફાઈ કરવાની પણ દરકાર લેવામાં આવી નથી.
આમ આ બાબતને લઇને લોકોમાં રોષ ફેલાયો છે. અને તાકિદે શહેરની મધ્યમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાની મરામત કરાવી ત્યાં નિયમિત સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.