જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીના ચમકારાની સાથે શિયાળાના આગમનનો અણસાર
image : Freepik
- જામનગરમાં 24 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો નીચે ગગડતાં ઠંડીનો ચમકારો
જામનગર,તા.20 નવેમ્બર 2023,સોમવાર
નવા વર્ષના પ્રારંભ સાથે જ હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીએ પોતાનો વ્યાપ વિસ્તારી દીધો છે, અને ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગરમાં પણ શિયાળાની શરૂઆત થઈ હોય તેમ વિતેલા 24 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો એક ડિગ્રી ગગડતા રાત્રિના ઠંડીના ચમકારાનો અહેસાસ થયો હતો.
જો કે, લઘુત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી ઉંચકાતા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. શિયાળાના પગરવની સાથે જ વહેલી સવારે લોકોએ મોર્નિંગ વોકનો લ્હાવો લીધો હતો.
જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 19.3 ડીગ્રી, જ્યારે મહતમ તાપમાન 29.7 ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 5.8 કિ.મી. નોંધાઇ હતી.