mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સૌરાષ્ટ્રમાં ધોધમારઃ ટંકારા સાડા ચાર ઈંચ, કોડીનાર, જુનાગઢ, ગોંડલમાં ત્રણ ઈંચ, 2ના મોત

Updated: Jun 26th, 2024

સૌરાષ્ટ્રમાં ધોધમારઃ  ટંકારા સાડા ચાર ઈંચ, કોડીનાર, જુનાગઢ, ગોંડલમાં ત્રણ ઈંચ, 2ના મોત 1 - image


મધ્ય ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટ્રોફ, ઘટાટોપ વાદળો છવાયા,આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી :  કાલાવડ તા.માં બળદગાડા સાથે છ તણાયા, બાળકનું ,પાંચને બચાવાયાઃ  વિજળી પડતા જામજોધપુર યુવાન અને 40   ઘેટાં-બકરાના,માળિયા હાટીનામાં 3 ભેંસોના મોત નીપજ્યા 

 રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાં તા.24 જૂને ચોમાસાનો પ્રવેશ થયાની સાથે જ તથા આદ્રા નક્ષત્ર બાદ ચોમાસુ જમાવટ કરી રહ્યું છે. આજે મધ્ય ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી  મહારાષ્ટ્ર સુધી ટ્રોફ, ગુજરાત ઉપર ઘટાટોપ વાદળોની  જમાવટના પગલે આજે બપોર બાદ મેઘરાજા સૌરાષ્ટ્રની ધરતી ઉપર રાજકોટ,જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે મન મુકીને  વરસ્યા હતા અને બે થી સાડાચાર ઈંચ વરસાદ રાત્રિ સુધીમાં નોંધાયો હતો. વરસાદના લીધે આવેલા પૂરમાં બળદગાડુ તણાતા એક બાળકનું અને ત્રણ સ્થળે વિજળી પડી તેમાં એક યુવાન તથા 43 પશુઓના મોત જાહેર થયા છે. બપોર સુધી સૌરાષ્ટ્રમાં એકંદરે વાદળિયુ હવામાન રહ્યું પણ બપોર બાદ મેઘરાજાએ જોર પકડયું હતુ. 

આવતીકાલે (1) જામનગર (2) પોરબંદર (3) જુનાગઢ (4) અમરેલી (5) ભાવનગર (6) દ્વારકા અને (7) ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ધોધમાર વરસાદની ચેતવણી જારી કરાઈ છે જ્યારે રાજકોટ ,મોરબી સહિત અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ જારી કરાયું છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપકપણે એટલે કે 75થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે . આજે રાત્રિના આઠ સુધીમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જિલ્લા  સહિત રાજ્યમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

કાલાવડ તાલુકાના ડેરી ગામે આજે મોડી સાંજે ધોધમાર વરસાદ શરુ થયો ત્યારે એક બળદગાડુ છ વ્યક્તિઓને લઈને વોકળામાંથી પસાર થઈ રહ્યું હતું. ધસમસતા પાણીમાં આ ગાડુ તણાયું હતું જેમાં બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ગ્રામજનોએ બચાવી લેવાયા હતા અને ગાડામાં બેઠેલા દોઢ વર્ષનો બાળક રવિ રિતેશભાઈ ડાવર પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું. બન્ને બળદો પણ પાણીમાં ડુબ્યા હતા. જામનગરના કાલાવડ તાલુકામાં આજે સાંજે બે ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો તેથીા નદી નાળામાં પૂર આવ્યા હતા. લાલપુર તાલુકામાં પણ એક ઈંચ અને જામજોધપુરમાં અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. 

જામજોધપુર તાલુકાના  તાલુકાના મથીયા ગામમાં સીમ વિસ્તારમાં આજે બપોરે ઘેટા-બકરાં ચરાવવા ગયેલા ગોગનભાઈ બુધાભાઈ નામના ૪૫ વર્ષના ભરવાડ યુવાન  પર અચાનક વિજળી ત્રાટકતા આ યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે રહેલા આશરે ૪૦ જેટલા ઘેટાં,બકરાંના પણ મોત નીપજ્યા હતા જેના પગલે ભરવાડ સમાજ અને ગ્રામજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી. જામજોધપુરના સડોદર ગામે બપોરે બેથી સાંજે છ સુધીમાં બે ઈંચ વરસાદ વરસી જતા નદીનાળા ચેકડેમો છલકાયા હતા. 

રાજ્યમાં આજે સૌથી વધારે વરસાદ ટંકારામાં સાડા ચાર ઈંચ (રાત્રે આઠ સુધીમાં 109 મિ.મિ.) વરસ્યો છે. ધોધમાર વરસાદ સાથે તાલુકાના કલ્યાણપર ગામે ભાવેશભાઈ ઉજળીયાના મકાન ઉપર વિજળી પડતા  સોલાર પેનલને નુક્શાન થયું હતું.

 મોરબી જિલ્લાના વાંકાનેરમાં સાંજે છથી આઠ વચ્ચે સવા ઈંચ સહિત દિવસમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે માળિયા મિયાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.આ તાલુકાના વેણાસર,ખાખરેચી, વેજલપર, વીરવિદરકા ગામોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહૌલ જોવા મળ્યો છે. 

રાજકોટ જિલ્લામાં  ગોંડલ ખાતે ત્રણ ઈંચ (૭૪ મિ.મિ.) નોંધાયો છે. ગોંડલમાં ભગવતપરા મેઈનરોડ પર નદીકાંઠે નગરપાલિકા દ્વારા રૃ।.૭૫ લાખના ખર્ચે બનાવેલી દિવાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આશરે એકથી દોઢ કિ.મી.ની દિવાલ આજે જમીનદોસ્ત થતા પદાધિકારીઓ દોડી ગયા હતા. દિવાલ સાથે વિજપોલ ધસી પડતા વિજપૂરવઠો ખોરવાયો હતો. ગોંડલના અન્ડરબ્રીજમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. આશાપુરા, ઉમવાડા અન્ડરબ્રિજ અને રાતા પુલ નીચે પાણી ભરાતા રાહદારીઓ અટવાયા હતા. પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી. રાજકોટ શહેરમાં અર્ધો ઈંચ વરસાદ સાથે ઠેરઠેર પાણી ભરાયા હતા તો અમીનમાર્ગ પર એક દિવાલ ધસી પડી હતી. 

રાજકોટ શહેરમાં પણ મેઘરાજા વરસ્યા હતા અને માત્ર અર્ધો ઈંચ પાણીથી જ જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમીનમાર્ગ ઉપર એક દિવાલ ધસી પડી હતી જેના નીચે વાહનો દબાયા હતા. રાજકોટ જિ.ના જેતપુરમાં સાંજે ધોધમાર ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો અને રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. મગફળી સહિત  આગોતરા વાવેતરના પાકને જીવતદાન મળ્યું છે. વીરપુર, કાગવડ, ખજુરી ગુંદાળા, ખીરસરા, મેવાસા સહિત ગામોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જામકંડોરણામાં સાંજના સમયે એક કલાકમાં અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ફોફળ ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક થઈ છે. રાજકોટ નજીક કોટડાસાંગાણીમાં પણ અર્દો ઈંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. 

જુનાગઢ જિલ્લામાં આજે ધીંગી મેઘસવારીથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. જુનાગઢ શહેર તથા ભવનાથ તળેટીમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મેંદરડા અને માંગરોળમાં દોઢ ઈંચ, માળિયા હાટીન, કેશોદ, વંથલી પંથકમાં એક ઈંચ અને માણાવદર પંથકમાં પોણો ઈંચ  વરસાદ વરસ્યો હતો. જિલ્લાના માળિયા હાટીનાના વાંદરવડ ગામે વિજળી પડતા મોકાભાઈ નામના કેડૂતની ત્રણ ભેંસના મોત નીપજ્યા હતા. 

આજ સુધી એકંદરે કોરા રહેલા ગીર સોમનાથ જિલ્લા પર આજે મેઘમહેર વરસી હતી. કોડીનારમાં બે કલાકમાં બે ઈંચ સહિત આજે સવા ત્રણ ઈંચ વરસાદ ત્રાટક્યો હતો. અને ઠેરઠેર પાણી ભરાયા હતા. ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. ગીરના ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફરી વળી હતી. વેરાવળ પાટણમાં દોઢ ઈંચ, સૂત્રાપાડમાં બે ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વેરાવળમાં વરસાદથી મુખ્ય બજારો બસ સ્ટેન્ડ રોડ, સટાબજાર, સુભાષ રોડ, ગાંધી રોડ પર પાણી ભરાયા હતા. તાલાલા પંથકમાં પણ આજે એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

Gujarat