આજથી માધવપુર ઘેડનાં આંગણે પાંચ દિવસનો મેળો, શ્રીકૃષ્ણ-રુક્મિણીજીના વિવાહ પ્રસંગે મેદની ઉમટશે
image : Socialmedia
Madhavpur Ghed Krishna Vivah : માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તા.17 થી 21 સુધી યોજાનારા મેળામાં તેમજ ફુલેકાં સહિતના ઉત્સવમાં વિશાળ માનવ મેદની ઉમટી પડશે. મેળામાં સાફ-સફાઈ માટે પોરબંદરથી પણ સફાઈ કામદારો પહોંચી ગયા છે અને માધવપુર ગ્રામ પંચાયતની 20 ની ટીમ સાથે સફાઈ કામ હાથ કરવામાં આવ્યું છે. બીજી તરફ, બીચ સ્પોર્ટ્સમાં ભાગ લેવા વિવિધ રાજ્યોના ખેલાડીઓનું આગમન થવા લાગ્યું છે.
માધવપુરમાં એન્ટિક રથમાં નીકળશે શ્રી કૃષ્ણનું પ્રથમ ફુલેકું
માધવપુર (ઘેડ)માં આજે રામનવમીથી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નોત્સવનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાત્રે એન્ટીક રથમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફુલેકું યોજાશે. માધવરાયજી મંદિરે શ્રી કૃષ્ણને તિલક, હાર, ગજરો આપી પસ ભરાવી એન્ટીક રથમાં બિરાજમાન કરાશે. તથા એન્ટીક રથ સાથે ભવ્ય ફુલેકું વાજતે ગાજતે યોજાશે. કિર્તનકારોના કિર્તન, ભાઈ - બહેનોના દાંડિયા રાસની રમઝટ સાથે ફુલેકાનો પ્રારંભ થશે. પ્રારંભે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે. ફુલેકું મુખ્ય બજારમાં ફરી બ્રહ્મકુંડે પહોંચશે.
ધાર્મિક સ્થળો અને રસ્તા ચોખ્ખાંચણાક કરી દેવાયાં, બીચ સ્પોર્ટ્સના ખેલાડીઓનું આગમન
માધવપુરના મેળામાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન થયું છે ત્યારે રમતવીરો વિવિધ રાજ્યોમાંથી આવી પહોંચ્યા છે. આ મેળામાં નોર્થ ઈસ્ટ અને ગુજરાતના રમતવીરો વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાનાર છે. માધવપુર ચોપાટી ખાતે જુડો, કબડ્ડી, ફુટબોલ, વૉલિબોલ, હેન્ડ બોલ, રસ્સાખેંચ વગેરેનું આયોજન કરાયું છે. તા. 18 થી 20 સુધી જુડો, ટેકવોન્ડોની સ્પર્ધા નોર્થ ઈસ્ટ અને ગુજરાતના સ્પર્ધકો વચ્ચે યોજાશે. તેમજ તારીખ 17 થી 20 સુધી કબડ્ડી, ફટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, રસ્સા ખેંચ વગેરે સ્પર્ધાનું આયોજન જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના ખેલાડીઓ વચ્ચે કરવામાં આવ્યું છે.
દરમિયાન, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે યોજાનાર લોકમેળા પૂર્વે પૂરજોશ સફાઈ કાર્ય કરાઇ રહ્યું છે. પોરબંદર નગરપાલિકાનું એક ટ્રેક્ટર અને 24 લોકોની ટીમ તેમજ માધવપુર ગ્રામ પંચાયતની 20 લોકોની ટીમ, બે ટ્રેકટર, એક લોડર દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગને લોકમેળાના ભાગરૂપે રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવામાં આવ્યો છે. અહીં પોરબંદર સહિત રાજ્ય ભર અને નોર્થ ઇસ્ટના લોકો મેળાની મોજ માણવા આવી પહોંચે છે. અહીં પ્રતિ વર્ષે યોજાતા લોકમેળાની ભવ્ય ઉજવણી માટે ગત તારીખ 10થી જ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. માધવપુરમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહનું આયોજન કરાય તે સહિતના અન્ય ધામક સ્થળો, માધવરાયજીનું મંદિર અને હેલીપેડ થી લઈને મેળા ગ્રાઉન્ડ સુધીનો માર્ગ ઉપરાંત ચોપાટી સહિતના રસ્તાઓને ચોખા ચણક બનાવવામાં આવ્યા છે.
મેળામાં 90 ડોક્ટરો સહિત 500 આરોગ્ય કર્મચારીઓ ખડે પગે
માધવપુરના મેળામાં 90 તબીબ, 180 નસગ સ્ટાફ સહિત 500 હેલ્થ સ્ટાફ ખડે પગે સેવા આપશે. 6 ઇમર્જન્સી મેડિકલ સ્ટોલ મેળા ગ્રાઉન્ડમાં ઉભા કરાશે અને વીવીઆઇપીઓ માટે 6 તબીબી ટીમ તૈનાત રહેશે તેમજ આરોગ્ય વિભાગની 10 એમ્બ્યુલન્સ અને 4 જેટલી 108ને સ્ટેન્ડ બાય રખાશે. મેળા ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલના કારણે નાના ભૂલકાઓ સહિતના લોકો કોઈ બીમારીનો ભોગ બને તો તેમની તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થા પણ મેળા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે.