Get The App

જૂનાગઢની ગિરનાર સોસાયટીમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ

Updated: Dec 13th, 2022


Google News
Google News
જૂનાગઢની ગિરનાર સોસાયટીમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ 1 - image


- વારંવાર તોડવામાં આવતા  રસ્તાનાં કારણે રહેવાસીઓ રોષ.

- ભૂગર્ભ ગટરને લઈ ખોદાયેલા રસ્તાઓમાં પાણીની લાઈન લીકેજ થતાં છવાયું કાદવ-કિચડનું  સામ્રાજ્ય

 જૂનાગઢ: જૂનાગઢમાં રસ્તાઓના ખોદકામનું કાર્ય પૂર્ણ થવાનું નામ જ ન લેતું હોય તેમ ગિરનાર સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાદ હવે પાણીની લાઈનના કાર્યને લઈ રસ્તાઓના ખોદકામથી સોસાયટીના રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગ કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓ પણ રજૂઆતો કરી થાક્યા છે.

 નવા હાઉસિંગ બોર્ડ પાસે આવેલી ગિરનાર સોસાયટી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ભુગર્ભ ગટરના કાર્યને લઈ રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું ખોદાયેલા રસ્તાઓને માત્ર થીગડાઓને લઈ ઉબડખાબડ રસ્તાઓથી રસ્તા રીપેરીંગની માંગ છતાં રસ્તાનું કાર્ય કરવામાં આવ્યું ન હતું. 

મગરમચ્છની પીઠ જેવા રસ્તાઓથી સોસાયટીઓના રહેવાસીઓને જાણે કે છુટકારો જ ન મળતો હોય તેમ પાણીની લાઈનના કાર્યને લઈ રસ્તાઓને ફરીથી ખોદવામાં આવ્યા. તો સાથે જ હવે સિમેન્ટ રોડ બનાવવાની તજવીજને લઈ રસ્તાઓને વધુ ખોદકામ કરી ઊંડા ઉતારવામાં આવતા રહેવાસીઓને સોસાયટીમાં આવેલ ઘર સુધી વાહન લઈ જવા અને પાકગ કરવા સહિતની સમસ્યા સર્જાઈ છે. 

સોસાયટીમાં રસ્તાઓના ખોદકામ બાદ ઊંડા કરવાની કામગીરીથી પાણીની લાઈન તૂટતા શેરીમાં ભરશિયાળે પાણીની રેલમછેલમને લઈ ચોમાસા જેવો નજારો જોવા મળે છે. સાથે જ પાણીની લાઈન લીકેજ થવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થતા રહેવાસીઓને વાહન લઈ તો ઠીક ચાલીને જવામાં પણ મુશ્કેલીનો સામનો ઊભો થયો છે. 

ભૂગર્ભ ગટરના કાર્યને લઈ ખોદકામ કર્યા બાદ પાણીની લાઈનના કાર્યથી ખોદાયેલા રસ્તાઓની કામગીરી પૂર્ણ  જ ન થતી હોય તેમ સિમેન્ટ રોડ બનાવવાની તજવીજ ને લઈ ખોદાયેલા રસ્તાને વધુ ઊંડા ઉતારવામાં આવ્યા છે. તેમજ રસ્તાઓને ઊંડા  ઉતાર્યા બાદ કામગીરી શરૂ ન થતા ગિરનાર સોસાયટી વિસ્તારમાં અંદાજિત 80 થી વધુ બ્લોકમાં રહેતા 2,500થી વધુ રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રસ્તા રીપેરીંગની રજૂઆત કરી થાકયા હોવાનું જણાવી ખોદાયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેરીંગ કરાય તેવી માંગ કરી છે.

Tags :