ગુજરાતમાં 15 દિવસ બાદ ચોમાસું જામ્યું, 130 તાલુકા ભીંજાયા, મેંદરડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન બે સપ્તાહ અગાઉ જ થયું હતું. પરંતુ સાનૂકૂળ ગતિ નહીં મળવાને કારણે ચોમાસાનું પ્રભુત્વ જોવા મળ્યું નહોતું. પરંતુ હવે આખરે ગુજરાતમાં ચોમાસું જામવા આવ્યું છે. ગઈકાલે રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં જૂનાગઢના મેંદરડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ કાલાવડમાં વરસાદી માહોલ જામ્યો હતો. આગામી બે દિવસ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે મેઘરાજાની પધરામણી
જૂનાગઢ જિલ્લામાં આખરે લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ ગઈકાલે મેઘરાજાની પધરામણી થઈ હતી. જેમાં મેંદરડામાં ચાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ થી પાંચ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ અને વંથલી પંથકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં બે ઈંચ, માળિયા હાટીનામાં દોઢ ઇંચ, કેશોદમાં ભારે પવન સાથે એક ઇંચ જ્યારે ભેંસાણમાં ઝાપટા વરસ્યા હતા. માંગરોળમાં બે મીમી વરસાદ થયો છે.
રાજકોટમાં પણ રાત્રિ સુધીમાં 1 ઈંચ વરસાદ
રાજકોટમાં પણ જાણે રવિવારની મોજ માણવા માટે મેઘરાજા આવ્યા હોય તેવો માહોલ છવાયો હતો. બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજકોટમાં રાત્રિ સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયા હતો. ગોંડલ પંથકમાં બપોર બાદ આકાશી વાતાવરણ બદલાયા બાદ આકાશમાં મેઘાડંબર સર્જાયું હતું.
અમરેલી જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ
અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર પછી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લાઠી તાલુકામા બપોરે વાતાવરણ પલ્ટો આવ્યો હતો અને 28 મીમી વરસાદ ખાબકયો હતો. અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલને લઈને જિલ્લાના ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીમાં પણ ઝાપટા પડયા હતા.
જામનગર શહેરમાં કાલ રાત્રે ધીમી ધારે વરસાદ
જામનગર શહેરમાં 8:45 વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. મોરબી શહેરમાં સાંજે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, મોરબી શહેરના રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, સામાકાંઠે સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. જેથી બાળકો સહિતનાઓ વરસાદમાં ન્હાવા બહાર નીકળી પડયા હતા.
સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ
શનિવારે સાંજે છ વાગ્યાથી રવિવારે સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં પાણી પડયું હતું, જેમાં શનિવારની રાત્રીના સુરત શહેર અને જિલ્લામાં સર્વત્ર વરસાદી દેમાર વરસાદ ઝીંકાયો હતો અને ગઈકાલે ઓલપાડ, ચોર્યાસી અને સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
આમ છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં બે ઇંચ, ઓલપાડમાં દોઢ ઇંચ, માંગરોળ, માંડવી, મહુવામાં 1 ઇંચ સહીત તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 167 મીમી અને સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 526 મીમી અને સરેરાશ 2.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યના 26 તાલુકાઓમાં 1 થી અઢી ઇંચ વરસાદ
દેવભૂમી દ્વારકાના ખંભાળીયા તાલુકામાં 3 ઈંચ, છોટા ઉદેપૂરના સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબીર તાલુકામાં અઢી ઈંચ, બનાસકાંઠામાં પણ મેઘરાજાએ એન્ટ્રી, પંચમહાલના હાલોલમાં પણ પવન સાથે વરસાદની એન્ટ્રી, તેમજ ભાવનગરઅ પણ ગઈકાલે મેઘરાજાની પધરામણી થઈ હતી.
આગામી ૩ દિવસ ક્યાં વરસાદની આગાહી...
24 જૂનઃ નર્મદા-સુરત-ડાંગ તાપીમાં ભારેથી અતિભારે. ભરૂચ-નવસારી- સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી જયારે અમરેલી, ગીરસોમનાથમાં ભારે…
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, જામનગર, દ્વારકા, બોટાદ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.
25 જૂન: દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે થી અતિભારે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
26 જૂનઃ બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી