લીલી પરિક્રમા દરમિયાન 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, થયું મોત, પરિવારમાં આક્રંદ
leopard-attack in lili parikrama : જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં હાલ લીલી પરિક્રમાં ચાલી રહી છે જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે ત્યારે પ્રરિક્રમાં કરવા આવેલી 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
રાજૂલાથી પરિવાર સાથે આવેલી બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ચાલી રહેલી પરિક્રમામાં અનેક જગ્યાએથી ભાવિકો આવી પહોચ્યા છે અને 36 કિલોમીટર લાંબી આ પરિક્રમાં શરુ થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પરિક્રમાંના રુટ પર આવતા વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેમાં લીલી પરિક્રમાં કરવા અમરેલીના રાજુલાથી પરિવાર સાથે આવેલી 11 વર્ષીય પાયલ સાખન નામની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું હતું. આ ઘટના પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક બની હતી.
લોકોમાં ભય ફેલાયો
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દીપડાએ બાળકીને ઉઠાવીને 50 મીટર જંગલમાં ઢસેડી હતી. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને આ હુમલાને પગલે પોલીસ અને વનવિભાગ સતર્ક થયું છે તેમજ ઘટનાથી બાળકીના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં અવાર નવાર દીપડા તેમજ સિંહના હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે લીલી પ્રરિક્રમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.