માણાવદરમાં અગાઉનાં મનદુઃખના કારણે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
- હત્યારાઓએ રેકી કર્યાની આશંકા
- યુવક લગ્નપ્રસંગમાં ભોજન કરી પરત ઘરે જતો હતો ત્યારે મોકો જોઈને બે શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
માણાવદર : માણાવદરમાં આજે એક યુવાન બપોરે લગ્ન પ્રસંગમાં ભોજન કરી પરત જતો હતો ત્યારે જૂનાં મનદુઃખના કારણે બે શખ્સોએ આવી છરીના ઘા ઝીંકી દેતા યુવાનને જૂનાગઢ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે ફરિયાદ થતા માણાવદર પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ માણાવદરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો જગદીશ લખમણભાઈ ઉલવા(ઉ.વ.૩૪) અને લખમણભાઈ કોડિયાતર રઘુવીરપરામાં લગ્ન પ્રસંગના જમણવારમાં જમવા ગયા હતા. આ બંને બાઈક પર પરત જઈ રહ્યા હતા ત્યારે રઘુવીરપરા વિસ્તારમાં બે શખ્સોએ આવી બાઇકને આવી જગદીશને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમયે એક મહિલાએ મારી નાખો એવી બુમો પાડી હતી. આ બનાવ બાદ જગદીશ ઉલવાને માણાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
જગદીશની સાથે રહેલા વ્યક્તિએ તેની રેકી કર્યાની વાત કરી હતી. પોલીસને પાંચ વ્યક્તિના નામ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે તેની ખરાઈ કરી ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જગદીશ ઉલવાને અગાઉ માથાકુટ થઈ હતી ત્યારે અરજી થઈ હતી. આ મનદુઃખમાં આજે ડખ્ખો થયો હતો. હાલ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
ધોળા દિવસે સરાજાહેર યુવાનની હત્યાની ઘટનાથી માણાવદર શહેરમાં ચકચાર વ્યાપી ગઇ હતી.