કેશોદમાં ભાજપે મંજુરી વગર સભા યોજી આચાર સંહિતા ભંગ કર્યાનો ભાંડો ફૂટયો
પશુપાલન મંત્રી એવા ભાજપનાં ઉમેદવારની ચૂંટણી સભાથી વિવાદ : અપક્ષ ઉમેદવારની ફરિયાદનાં આધારે 'તટસ્થ તપાસ' થઈ, પણ હવે ગુનો દાખલ કરવાનાં બદલે અધિકારીઓ વચ્ચે રિપોર્ટની ફેંકાફેંકી ચાલુ
જૂનાગઢ, : કેશોદનાં રણછોડનગરમાં ગત તા. 20નાં રાત્રે વર્તમાન મંત્રીની સભા યોજાઈ હતી. જેની મંજુરી લેવામાં આવી ન હોવાની ફરિયાદ થઈ હતી. જેનાં અનુસંધાને આચાર સંહિતા અમલીકરણ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આચાર સંહિતાનું ભંગ થયાનું જણાયું હતું. જેનાં અંતર્ગત કેશોદ ચીફ ઓફિસરે જૂનાગઢ જિલ્લાનાં આચારસંહિતાનાં નોડલ અધિકારીને રિપોર્ટ કર્યો છે. નોડલ અધિકારીએ આ અંગે કલેકટરને રિપોર્ટ કર્યો છે.
કેશોદ વિધાનસભા બેઠકની ચૂંટણીનાં અનુસંધાને તા. 20નાં રાત્રે 9 થી 10 દરમ્યાન રણછોડનગર વિસ્તારમાં વર્તમાન પશુપાલન મંત્રી અને ભાજપનાં ઉમેદવાર દેવાભાઈ માલમની ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં માઈકનો ઉપયોગ થયો હતો. આ મામલે મંજુરી વગર સભા થયાની અપક્ષ ઉમેદવાર અલ્પેશ ત્રાંબડીયાએ ફરિયાદ કરી હતી. જે તે વખતે તેણે મહેશનગરમાં સભા યોજાઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આચાર સંહિતા અમલીકરણ ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા આવી કોઈ સભા યોજાઈ ન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ સભા રણછોડનગર વિસ્તારનાં જાગનાથ મેઈન રોડ પર યોજાયાનું જાણવા મળતા અપક્ષ ઉમેદવારે કેશોદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને મળીને શરતચુકથી રણછોડનગરનાં બદલે મહેશનગર લખ્યું હોવાનું જણાવ્યું હતું.
બાદમાં આચારસંહિતા અમલીકરણ ટીમ દ્વારા વોર્ડ નં-૬માં આવેલા જાગનાથ મેઈન રોડ પર તપાસ કરવામાં આવી હતી. આ સભામાં પોર્ટેબલ માઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અન્ય આધાર-પુરાવાઓ ધ્યાને લેતા આચારસંહિતનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં અનુસંધાને કેશોદ ચીફ ઓફિસરે જીલ્લાનાં આચારસંહિતા નોડલ અધિકારીને રિપોર્ટ કર્યો હતો.
આચારસંહિતા નોડલ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કેશોદ ચીફ ઓફિસરનો રિપોર્ટ મળ્યો છે, જે કલેકટરને સોંપવામાં આવ્યો છે. તેઓની સુચના બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં આ વિધાનસભા ચૂંટણીમાં આચારસંહિતા ભંગ થયાનું પહેલીવાર સામે આવ્યું છે અને તેનો નોડલ અધિકારીને રિપોર્ટ થયો છે. હવે ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.