સિંહોની પજવણી અને લાયન-શો અટકાવવા શુક્રવારથી રેડ એલર્ટ, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વનતંત્ર સજ્જ

સઘન પેટ્રોલિંગ-ફલેગ માર્ચનું આયોજન, રેપીડ એકશન ટીમ તેમજ ટાસ્ક ફોર્સની રચના, વનકર્મીઓની રજા રદ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
સિંહોની પજવણી અને લાયન-શો અટકાવવા શુક્રવારથી રેડ એલર્ટ, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વનતંત્ર સજ્જ 1 - image


જૂનાગઢ, તા.7 નવેમ્બર 2023,મંગળવાર

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીર તાથા ગીરની બોર્ડર પર પ્રવાસીઓની મોટી ભીડ એકત્ર થતી હોવાથી લાયન શો, સિંહોની પજવણીની ઘટના ન બને તે માટે વનતંત્ર અગાઉથી જ સજ્જ બન્યું છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા માટે વન વિભાગ દ્વારા ગીર તાથા તેની આસપાસના વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. રેડ એલર્ટ દરમ્યાન વન વિભાગનું 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. રેડ એલર્ટને લઈ વનકર્મીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે.

રેડ એલર્ટમાં રેન્જ વાઇઝ સ્થાનિક પોલીસને પણ સાથે રાખીરેવન્યુ વિસ્તારમાં તથા સિંહોની અવર-જવરવાળા વિસ્તારોમાં સિંહોનાં રક્ષણ માટે ખાસ પેટ્રોલિંગ કરાશે

સિંહોની પજવણી અને લાયન-શો અટકાવવા શુક્રવારથી રેડ એલર્ટ, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વનતંત્ર સજ્જ 2 - image

અમુક તત્વો સિંહ દર્શન કરાવી દેવાની લાલચ આપી નાણાં ખંખેરે છેઃ આ પ્રવૃત્તિ ગેરકાયદે હોવાથી બેખબર અમુક પ્રવાસીઓ ફસાઈ પણ જાય છે

તહેવારોની સિઝન દરમ્યાન દેશ તથા દુનિયાભરના લોકો ગીર તરફ આકર્ષાય છે કેમ કે, ગીર અને સિંહનું મહત્વ સતત વધતું જાય છે. દિવાળીનાં મિનિ વેકેશનમાં લાખોની સંખ્યામાં લોકો ગીરના સાસણ, દેવળીયા પાર્ક, ધારીના આંબરડી સફારી પાર્ક, તુલસીશ્યામ, કનકાઇ, બાણેજ સહિતના સ્થળોની મુલાકાત લે છે. ગીરમાં આવતા લોકો સિંહ દર્શનની પણ અપેક્ષા રાખતા હોય છે. સિંહ દર્શન માટે બે સફારી પાર્ક આ ઉપરાંત સાસણ જંગલ સફારીની વ્યવસ્થા છે. પરંતુ અમુક તત્વો સિંહ દર્શન કરાવી દેવાની પ્રવાસીઓને લાલચ આપી મસમોટા નાણાં ખંખેરે છે. ઘણા પ્રવાસીઓને એ જાણ હોતી નથી કે, આ પ્રવૃતિ ગેરકાયદેસર છે જેના કારણે અમુક પ્રવાસીઓ ફસાઈ પણ જાય છે.

સિંહોની પજવણી અને લાયન-શો અટકાવવા શુક્રવારથી રેડ એલર્ટ, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વનતંત્ર સજ્જ 3 - image

ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા તંત્ર સજ્જ 

આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવા માટે ગીર વિસ્તારની આજુબાજુની હોટલો, ફાર્મહાઉસ, રિસોર્ટ, હોમસ્ટેના માલિકોને તકેદારી રાખવા માટે સુચનાઓ આપવામાં આવી છે. તેમજ લોકજાગૃતિ માટે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત  હોટલ માલિકો, ફાર્મહાઉસના સંચાલકોની સાથે મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા તા.10-11-2023થી તા.19-11-2023 સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ દરમ્યાન સંઘન પેટ્રોલિંગ, મોકડ્રીલ તેમજ ગીર વિસ્તારના ગામડાઓમાં ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેરકાયદેસર લાયન શો અટકાવવા માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા રેપીડ એકશન ટીમ તેમજ ટાસ્ક ફોર્સની ટીમો બનાવી સતત નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બીંગની કામગીરી કરવા માટે ડીસીએફ પ્રશાંત તોમરે આદેશો આપી દીધા છે.

ગીરના સાસણ, દેવળિયા પાર્ક, ધારીના આંબરડી સફારી પાર્ક, તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ સહિતનાં સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડવાના હોવાથી વિશેષ તકેદારી

સિંહોની પજવણી અને લાયન-શો અટકાવવા શુક્રવારથી રેડ એલર્ટ, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વનતંત્ર સજ્જ 4 - image

જે-તે રેન્જ હેઠળના કર્યાં-કયાં ગામમાં સિંહોની અવરજવર છે તે જોઈને વનતંત્ર લાયન શો કરતા તત્વો પર વોચ રાખશે

ઉના, ગીરગઢડા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, સાવરકુંડલા, વિસાવદર, સાસણ, તાલાળા, મેંદરડા સહિતના વિસ્તારોમાં સિંહોનો વસવાટ છે. દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વનતંત્ર દ્વારા લાયન શોની પ્રવૃત્તિ કરતા તત્વો પર ખાસ વોચ રાખવામાં આવશે. દરેક રેન્જ વાઇઝ તેના હેઠળ આવતા વિસ્તારમાં કયા-કયા ગામમાં સિંહોની અવર-જવર છે ? ત્યાં અગાઉ સિંહની પજવણી કે લાયન શોની પ્રવૃત્તિ કરતા હોય તેવા તત્વો પર ખાસ વોચ રાખવાનું વનતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વનતંત્રના સ્ટાફ દ્વારા વાહનોના કાફલા સાથે ફલેગ માર્ચ

દર વર્ષે દિવાળી પર ગીરની આસપાસના તમામ રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો અને લોકોની ભીડ એકઠી થાય છે. અમુક તત્વો મોટી રકમો લઈ લાયન શોની પ્રવૃતિઓ કરે છે. આવા બનાવોને અટકાવવા માટે આ વર્ષે દસ દિવસનું વનતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ દરમ્યાન વન વિભાગના તમામ કર્મચારીઓની રજા પણ રદ કરી નાખવામાં આવી છે. ગીર પશ્ચિમની દસ રેન્જમાં એક બાદ એક ગામડાઓમાં વનતંત્રના સ્ટાફ દ્વારા વાહનોના કાફલા સાથે ફલેગ માર્ચ કરી લોકોને સિંહોની પજવણી ન કરવા અને ગેરકાયદેસર લાયન શો અટકાવવા જાગૃત કરવા માટેનો કાર્યક્રમ શરૂ થશે. રેડ એલર્ટમાં દરેક રેન્જ વાઇઝ સ્થાનિક પોલીસને પણ સાથે રાખી રેવન્યુ વિસ્તારમાં તથા સિંહોના અવર-જવર વાળા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News