લંડનના ઇતિહાસકારે જૂનાગઢની મુલાકાત લઇ ઈતિહાસ ઉલેચ્યો
વિશ્વના જે દેશોના ભાગલા પડયા છે તે દેશોની હિસ્ટ્રી એકત્ર કરતા : જૂનાગઢની આઝાદી અને લોકમત સહિતની તમામ વિગતો મેળવી થયા અભિભૂત, હવે સોમનાથનો ઈતિહાસ મેળવશે
જૂનાગઢ, : વિશ્વના જે દેશોના ભાગલા પડયા છે તે દેશોનો ઈતિહાસ એકત્ર કરનાર લંડનના ઇતિહાસવિદ જૂનાગઢની મુલાકાતે આવેલા હતા. જૂનાગઢના ઈતિહાસકાર પાસેથી જૂનાગઢની આઝાદી અને લોકમત સહિતની તમામ વિગતો મેળવી તે અભિભૂત થયા હતા. ભાગલાં થયેલા તમામ દેશોના ઈતિહાસ પર તે પુસ્તક લખી રહ્યા છે, તેઓ હવે સોમનાથ જઇ ત્યાંનો પણ ઈતિહાસ મેળવશે.
લંડનનાં પ્રખ્યાત ઇતિહાસવિદ સામ ડેલરિમ્પલે જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેણે જાણીતા ઇતિહાસકાર પ્રદ્યુમનભાઈ ખાચર સાથે મુલાકાત કરી હતી. તેમણે જૂનાગઢમાં કેવી રીતે આઝાદી મળી, બહાઉદ્દીન કોલેજમાં કેવી રીતે લોકમત લેવાયો, ત્યારે શું ચર્ચાઓ થઈ હતી, કોણ કોણ હાજર હતા? આ તમામ બાબતની માહિતી મેળવી હતી. લંડનનાં પ્રખ્યાત ઇતિહાસવિદ સામ ડેલરિમ્પલના પિતા વિલિયમ ડેલરિમ્પલ ઇન્ટરનેશનલ લેવલના ઇતિહાસના લેખક છે, જેંમણે વિશ્વ પ્રસિદ્ધ અનેક પુસ્તકો લખેલા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઇતિહાસકારના પુત્રએ તેમનો વારસો સંભાળ્યો છે. એ પણ વિશ્વમાં ભાગલાં થયેલા તમામ દેશોનો ઈતિહાસ મેળવી તેના પર પુસ્તક લખી રહ્યા છે.
આ બાબતને લઈને સામ ડેલરિમ્પલે જૂનાગઢ ખાતે જાણીતા ઇતિહાસકાર પ્રદ્યુમનભાઈ ખાચરની મુલાકાત લઈ જૂનાગઢનો સાચો ઇતિહાસ જાણ્યો હતો. જૂનાગઢની વાતોના સત્તાવાર પુરાવાઓ અને હીસ્ટ્રી વિશે માહિતી મેળવી અભિભૂત થયા હતા. તેમણે જૂનાગઢના કેટલાંક પુસ્તકો અને તસ્વીરો સાથે અંગ્રેજી પુસ્તકો અને ઈતિહાસ પણ એકત્ર કર્યો હતો. આ વિદેશી ઈતિહાસવિદ હિંદી અને ગુજરાતી પણ બોલી તેમજ વાંચી પણ શકે છે.
વિવિધ દેશોની મુલાકાત લેનારા સામ ડેલરિમ્પલે બાંગ્લાદેશ સહિતના અનેક દેશોની પણ મુલાકાતો લીધી છે. તમામ માહિતીઓ એકત્ર થયા બાદ તે વર્લ્ડ લેવલનું પુસ્તક બહાર પાડશે એવું જણાવ્યું હતું. જૂનાગઢ બાદ તેઓ સોમનાથ જઇ ત્યાંનો ઈતિહાસ એકત્ર કરશે.