ગરવો ગિરનાર હવે 24 કલાક ઝગમગશે, આઝાદી બાદ પહેલી વખત કરાઈ આ મહત્ત્વની કામગીરી
Provided Power Supply At Girnar : જૂનાગઢ ગિરનાર પર્વત પર છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલું વીજ પ્રવાહની ક્ષમતા વધારવા અને અંડરગ્રાઉન્ડ વીજ લાઇન રૂપાંતરિત કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેનું રાજ્ય ઊર્જા મંત્રીએ લોકાર્પણ કર્યુ છે. જેથી હવે ગિરનાર પર્વત પર 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે.
24 કલાક ઝળહળશે ગિરનાર
ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર સુધી વીજ પ્રવાહ પૂરો પાડવા માટે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવી છે. નવરાત્રિના પહેલા જ દિવસે મા અંબાના ધામ ખાતે વીજ પ્રવાહ પહોંચતા હવે ગરવો ગિરનાર 24 કલાક પ્રકાશમય રહેશે.
ઓવરહેડને બદલે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન કેમ?
ચોમાસા અને શિયાળાની ઋતુમાં ભારે વરસાદ અને પવનના કારણે ગિરનાર પર્વત પર કાર્યરત ઓવરહેડ લાઇનોને નુકસાન પહોંચતું હતું. આ સાથે PGVCLના કર્મચારીઓને પણ તેનું રિપેરિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જ્યારે જંગલ વિસ્તારોમાં ઓવરહેડ લાઇનથી કોઈ અકસ્માત થવાના ભયના કારણે અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાનો વિકલ્પ જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હતો.
પાંચ મહિનાથી ચાલી રહી હતી કામગીરી
અંડરગ્રાઉન્ડ લાઇન મારફતે વીજ પુરવઠો પૂરો પાડવાની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી હતી. જ્યારે આઝાદી પછી પહેલી વખત ગિરનાર પર્વત પર અંડરગ્રાઉન્ડ વીજ પુરવઠાની લાઇન નાખવામાં આવી છે.
આ પણ વાંચો : નવરાત્રીના પહેલા દિવસે જ સુરતના માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું
મંદિરના પૂજારીએ કરી હતી રજૂઆત
જૂનાગઢ ગિરનાર પર્વત પર અવારનવાર કોઈના કોઈ કારણોસર વીજ પ્રવાહ ખોરવાઈ જતો હતો. જેના કારણે અંબાજીના મંદિરમાં અંધારામાં આરતી અને દર્શન કરવા પડતા હતા. તો ભક્તોને પણ વહેલી સવારે અને મોડી સાંજે મંદિર સુધી જવામાં ભારે તકલીફ પડતી હતી. જેને લઈને મંદિરના મહંતોએ ગિરનાર પર્વત પર વીજ પુરવઠો શરુ કરવાની માંગ કરી હતી. જે માંગ આખરે માતાજીની નવલી નવરાત્રિના પ્રથમ દિવસે જ પૂર્ણ થતાં ભક્તોએ રાહત અનુભવી છે.