જામનગરમાં જૂની અદાવતના કારણે યુવાન ઉપર નવ શખ્સો દ્વારા પાઈપ, ધોકા વડે હુમલો
- જુના રાજકીય મનદુઃખમાં વધુ એક વખત બઘડાટીમાં યુવાનની હત્યાનો પ્રયાસ: પોલીસ તંત્ર દોડતું થયું
Image Source: Freepik
જામનગર, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર
જામનગરના પટણી વાડ વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રી જૂની ચૂંટણીની અદાવતનાં કારણે એક યુવાન ઉપર પાઇપ, ધોકા વડે ખૂની હુમલો કરવામાં આવતાં યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવમાં નવ શખ્સો સામે કાવતરું ઘડવા અને હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના વોરાવાડ વંડાફળી પાસે રહેતો અકીલઅહેમદ ઈકબાલભાઈ પંજા (38) તા. 23ના રોજ મોડી રાતેપોણા ચારેક વાગ્યે પટણી વાડ, ખત્રી મસ્જિદ પાસે હાજર હતો ત્યારે આસિફ બોદુભાઈ ખીલજી, નસીફ બોદુભાઈ ખીલજી, હસુ મોહમ્મદહુસેન વાઘેર, લતીફ ઉર્ફે બાપુ, સાકીર રફીકભાઈ ખીલજી, એઝાજ અબ્બાસભાઈ, મકસુદ રજાકભાઈ પંજા, ઇસ્માઇલ હાસમભાઈ ખટકી, અને અકીલ અસગરભાઈ શેખ ત્યાં આવ્યા હતા અને પાઇપ ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો.
જેમાં અકીલ પંજા ને માથા મા અને શરીર મા હાથ પગ સહિત નાં અન્ય ભાગમા ઈજા થતાં ગંભીર હાલતમાં અકીલ ને સારવાર માટે જી.જી. હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાના ઉપર પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરવા અંગે નવ શખ્સો સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે કાવતરું ઘડવા અને હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદી અકીલ પંજા ના મિત્ર જુનેદ ચૌહાણ એ ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ત્યારે કોંગ્રેસ ના કોર્પોરેટર અસલમ ખીલજી સાથે માથાકૂટ થઈ હતી. અને એ પછી રાજકીય મનદુઃખનાં કારણે અબુ સફિયાન મહંમદ કુરેશી ઉપર ખૂની હુમલો થયો હતો. જે અંગે ની ફરિયાદમાં અકીલ પંજા પણ સાથે હતો. તેનો ખાર રાખીને ગઈકાલે વહેલી સવારે આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ ગંભીર રીતે ઇજા પામેલો અકીલ પંજા સારવાર હેઠળ છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. ચાવડા આ બનાવ અંગેની વધુ તપાસ ચલાવી રહ્યા છે.