જામનગરના ચેલા ગામે કોઝ-વે ધોવાતા જિલ્લા પંચાયતની કચેરીમાં ડીડીઓની ઓફિસમાં યુવકે ફીનાઇલ પીધી
Jamnagar News : જામનગર તાલુકાના ચેલા ગામે ચેલા-2 તરીકે ઓળખાતા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે આવેદન આપવા આવેલા ગામલોકો પૈકીના એક નાગરિકે ડીડીઓ ચેમ્બરની બાજુમાં આવેલી તેના પી.એ.ની ચેમ્બરમાં ફીનાઈલ પી લેતાં ભારે દોડધામ થઈ હતી. અને તાત્કાલિક અસરથી પોલીસને અને 108ને જાણ કરતાં ફીનાઇલ પી લેનાર વ્યક્તિને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાર બાદ તંત્રએ ગામ લોકોનું આવેદન પત્ર સ્વીકારી લીધું હતું.
ગઈકાલે તા.30 ની સાંજે ચેલા સીમ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો અને વિપુલભાઈ ભાંભી નામના સ્થાનિક રહેવાસીએ આપેલા આવેદનમાં સરપંચ સામે આક્ષેપ કરાયો છે. અને તે આવેદનમાં જણાવાયું છે કે, ચેલા-2 તરીકે ઓળખાતા ચેલા ગામના વિસ્તારમાં આવેલી ગોકુલધામ, પ્રણામી દ્વારકેશ, શિવમ વગેરે સોસાયટીઓના રહેવાસીઓ માટે નદીમાંથી ફક્ત એક માત્ર આવવા જવાનો કોઝ-વે હતો. જે હાલના પુરમાં તૂટી ગયો છે તેમજ રસ્તો ધોવાઈ ગયો છે. ઉપરાંત વીજ થાંભલા પડી ગયા હોવાથી આ સોસાયટીઓમાં કોઈ પાયાની સુવિધા નથી.
દર ચોમાસામાં લોકોને ત્રણ-ચાર દિવસ ઘરમાં પુરાઈ રહેવું પડે છે. ચેલા-2 ગામના સરપંચ દ્વારા આ વિસ્તારને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. આથી ત્યાંના લોકોની માંગણી છે. કે, સરપંચ ઉપર પગલા લેવાય, તેમજ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી માંગણી સાથે સ્થાનિક નાગરિક રજૂઆત કરવા માટે આવ્યા હતા.
જે પૈકીના વિપુલભાઈ ભાભી નામના નાગરિકે ફિનાઈલ પી લેતાં ભારે અફડા તફડી મચી ગઈ હતી, અને ડી.ડી.ઓના પીએ વગેરેએ દોડધામ કરી હતી અને તૂરત જ 108 ની ટીમ તથા પોલીસ વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફીનાઇલ પી લેનાર વિપુલભાઈ ભાંભી નામના વ્યક્તિને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તુરત જ સારવાર મળી ગઈ હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે.