જામનગર : ધ્રોળના વાગુદડ ગામે જંતુ નાશક દવાવાળા હાથે તમાકુ ખાતાં શ્રમિક યુવાનનું મોત
જામનગર,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાગુદડ ગામે વાડી વિસ્તારમાં રહેતાં એક યુવાનને જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ ઝેરી અસર થવાથી તેનું મૃત્યુ નિપજયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપૂરના વતની અને હાલ ધ્રોળ તાલુકાના વાગુદડ ગામે ચંદ્રેશભાઈ ગડારાની વાડીમાં રહેતો સતારસિંગ કિશનભાઈ ડાવર નામનો 25 વર્ષીય આદિવાસી યુવાન ગઈકાલે વાડીમાં પોતે વાવેલાં જીરાના ઉભા પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હતો, દરમિયાન દવાવાળા હાથે તમાકુ ખાતાં અચાનક ઉલટી થવા લાગી હતી. જેથી તેને જી.જી. હોસ્પિટલના ખસેડાયો છે. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે કાળુભાઈ કિશનભાઈ ડાવરે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.