જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં વિશ્વ પર્યાવરણના દિવસની વિશેષ રૂપે ઉજવણી : રાજકોટ રેન્જના આઈજીપી અને 5 એસ.પી.એ કર્યું વૃક્ષારોપણ
World Environment Day : જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને રાજકોટ રેન્જના આઈજીપી તેમજ રાજકોટ રેન્જના અલગ અલગ પાંચ જિલ્લાના એસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત ખેડૂતની સહાયથી 88 કેરી 55 નાળિયેરી અને 45 અલગ અલગ ફ્રુટના રોપાનું સમગ્ર ગુજરાતભરમાંથી એકત્ર કરીને તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જામનગરના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વૃક્ષોનો જતન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવનું ગઈકાલે જામનગરમાં આગમન થયું હતું, ત્યારે તેઓને જામનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આવકારવામાં આવ્યા હતા. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના કારણે પોલીસ હેડ ક્વાર્ટરમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આઈજીપી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં આઇજીપી અશોકકુમાર યાદવની સાથે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતિશકુમાર પાંડે, રાજકોટના એસ.પી અને હાલમાં જ પ્રમોશન મેળવેલા જયદીપસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના એસ.પી. ડો.ગિરીશ પંડ્યા, તેમજ મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જે તમામ અધિકારીઓના હસ્તે જામનગરમાં જ વસવાટ કરતા અને મૂળ કોડીનાર પંથકના તજજ્ઞ ખેડૂત જયસિંહ મોરી કે જેઓ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આયાત કરેલા 88 જેટલા કેરીના છોડવા, ઉપરાંત 55 નાળિયેરીના રોપા તેમજ જાંબુ, ચીકુ, સીતાફળ, જામફળ સહિતના અલગ અલગ 48 જેટલા ફ્રુટ વગેરે મળી 188 રોપાને આયાત કર્યા પછી તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને વિશ્વ પર્યાવરણ દિવસની પોલીસી વિભાગ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના પોલીસ વિભાગ દ્વારા તેનું જતન કરવામાં આવી રહ્યું છે.