જામનગરના વોર્ડ નં 4મા રાહતના ફોર્મ મામલે મહિલાઓનો રોષ : પ્રાંત અધિકારીની કચેરીએ નગરસેવીકાનું હલ્લાબોલ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
જામનગરના વોર્ડ નં 4મા રાહતના ફોર્મ મામલે મહિલાઓનો રોષ : પ્રાંત અધિકારીની કચેરીએ નગરસેવીકાનું હલ્લાબોલ 1 - image


Jamnagar News : જામનગર શહેરમાં થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા આપવામાં આવતી રાહત માટેના ફોર્મ ભરવાના મુદ્દે વોર્ડ નંબર ચારના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સર્વેયરો દ્વારા ઘરોમાં સર્વે કરવામાં આળસ કરવામાં આવતી હોવાના અને કેટલાક ઘરોમાં તો સર્વે જ ન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે મહિલાઓના એક મોટા જૂથે નગર સેવિકા રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ પ્રાંત કચેરીએ ધસી આવી હલ્લાબોલ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી અને મકાનને નુકસાન થયું છે. આ નુકસાનની પૂર્તિ માટે સરકાર દ્વારા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

 જેના ભાગરૂપે સર્વેયરોને ઘરોમાં સર્વે કરવા માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ વોર્ડ નંબર ચાર માં સર્વેયરો દ્વારા આ કામગીરીમાં આળસ કરવામાં આવતી હોવાના અને કેટલાક ઘરોમાં તો સર્વે જ ન કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. 

આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ નગર સેવિકા રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ પ્રાંત કચેરીએ પહોંચી હતી. તેમણે સરકારી અધિકારીઓને રજૂઆત કરી હતી કે સર્વેયરો દ્વારા તેમના ઘરોમાં સર્વે કરવામાં આવ્યો નથી અને તેમને રાહત માટેના ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. 

આ બાબતે પ્રાંત અધિકારી પ્રશાંત પરમારે મહિલાઓને આશ્વાસન આપ્યું હતું કે જે લોકોના ઘરોમાં સર્વે કરવામાં આવ્યો નથી, તેમના ઘરોમાં ફરીથી સર્વે કરવામાં આવશે, અને તેમને રાહત માટેના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે. ત્યારબાદ મહિલાઓનો કાફલો પરત ફર્યો હતો.


Google NewsGoogle News