જામજોધપુરમાં કેટરિંગમાં મજૂરી કરતી મહિલા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ , વ્યાજખોરોએ ધમકી આપી કરી વધું પૈસાની માગણી

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
જામજોધપુરમાં કેટરિંગમાં મજૂરી કરતી મહિલા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ , વ્યાજખોરોએ ધમકી આપી કરી વધું પૈસાની માગણી 1 - image


Jamnagar News : જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતી અને કેટરિંગમાં મજૂરી કામે જતી એક પ્રૌઢ મહિલા બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ છે. પોતાના સંતાનોના અભ્યાસ માટે 75 હજાર રૂપિયા વ્યાજે લીધા પછી દોઢ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં બંને વ્યાજખોરો વધુ પૈસા માંગી ધમકી આપતા હોવાથી આખરે મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને વ્યાજખોરો સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં ગંજીવાડો વિસ્તારમાં રહેતી અને કેટરિંગ સર્વિસમાં મજૂરી કામે જતી રંજનબેન કાંતિભાઈ વરાણીયા નામની 58 વર્ષની પ્રૌઢ મહિલાએ પોતાને તથા પોતાના પુત્રને ધાક ધમકી આપી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે ધ્રાફા ગામમાં રહેતા પૃથ્વીરાજસિંહ દરબાર તેમજ હોથીજી ખડબા ગામમાં રહેતા રામદેવભાઈ બારડ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રંજનબેન કે જેણે પોતાના ત્રણ સંતાનોના અભ્યાસ માટે પૃથ્વીરાજસિંહ પાસે 40,000 વ્યાજે લીધા હતા. તેજ રીતે રામદેવભાઈ બારોટ પાસેથી પણ 35 હજાર રૂપિયા લીધા હતા.

જે બંનેને દોઢ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ વધુ વ્યાજ અને મુદ્દલની માંગણી કરતાં આખરે જામજોધપુર પોલીસ મથક પણ લઈ જવાયો હતો અને બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે ગેરકાયદે નાણાં અધિનિમ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News