Get The App

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત

Updated: Nov 4th, 2021


Google NewsGoogle News
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત 1 - image


- કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં  સગાડીયા ગામનું દંપતી ખંડિત

જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ધ્રોળ તાલુકાના સગાડિયા ગામ નું દંપતી ખંડિત થયું છે. પતિની નજર સમક્ષ જ પત્નીનું કરૂણ મૃત્યુ નિપજતાં ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે જે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સગાડીયા ગામના વતની ચમનભાઈ વ્યાસ (ઉં.વ. 60) ગઈકાલે પોતાના પત્ની નર્મદાબેન (58) ને પોતાના બાઇકમાં પાછળ બેસાડીને ધ્રોળથી રાજકોટ તરફ ગયા હતા, અને ફરીથી રાજકોટથી પોતાના ગામેં પહોંચવા માટે પરત ફરી રહયા હતા.

જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત નડયો હતો. ધ્રોલ નજીક ખજુરડી ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલી ફોરવીલના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં જમનભાઈ તથા નર્મદાબેન બંનેને ઇજા થઇ હતી.

જેમાં નર્મદાબેન ને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હોવાથી પતિની નજર સમક્ષ જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ઉપરાંત ચમનભાઈ ને પણ નાની-મોટી ઇજાઓ થઇ હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના પુત્ર ભરતભાઈ ચીમનભાઇ વ્યાસે ધ્રોલ પોલીસ મથકમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, ઉપરાંત અકસ્માત સર્જનાર કારચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News