જામનગર જિલ્લામાં સૂર્યદેવતાનો પ્રકોપ : તાપમાનનો પારો 38.0 ડિગ્રીને પાર
image : twitter
Heatwave in Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, અને તાપમાનનો પારો બપોર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી 38.0 ડિગ્રી આસપાસ રહ્યો છે, અને કાળજાળ ગરમી પડી રહી છે. આગામી બે ત્રણ દિવસમાં હજુ વધુ હિટવેવ રહેશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે. બપોર દરમિયાન ગરમીનો પારો ઉપર ચડીને 38.0 આસપાસ રહ્યો છે, જેથી આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી છે. પવનની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો હોવાથી દિવસ દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળે છે.
આગામી દિવસોમાં હજુ ગરમી વધે તેવી શક્યતા દર્શાવાઇ છે, અને ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જાય, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 25.5 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાનનો પારો 38.0 ડીગ્રીને પાર પહોંચ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મીની ઝડપે રહી હતી.