જામનગર શહેરને પાણી પૂરું પાડતાં સસોઈ ડેમમાં પાણી ઘટી જતાં આવનારા દિવસોમાં જળ સંકટની સ્થિતિ
Water Shortage in Jamnagar : જામનગર શહેરને પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઘટી જતા ખેંચ અનુભવાઇ રહી છે, અને જામનગર શહેર માટે ભવિષ્યમાં પાણી પૂરું પાડવા માટે જળસંકટ તોડાઈ રહ્યું છે. જે માટે નર્મદા કેનાલમાંથી વધુ પાણીનો જથ્થો મળે, તે માટેની તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.
શહેરને પાણી પૂરું પાડતાં તમામ જળાશયોમાં 30 દિવસ સુધી ચાલે તેટલો પર્યાપ્ત જથ્થો છે. પરંતુ ત્યાં સુધીમાં જો વરસાદ નહીં થાય તો પાણી કાપની શકયતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગર શહેરમાં પ્રતિદિન 140 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે, અને એકાંતરા પાણી વિતરણ થાય છે. જેમાં નર્મદા કેનાલમાંથી 28 એમ.એલ.ડી પાણી ઉપાડવામાં આવે છે.
હાલ સસોઈ ડેમમાંથી દરરોજ 15 ને બદલે માત્ર 4 એમ.એલ.ડી પાણી આવતું હોવાથી તેમાં ઘટ પડી હોવાના કારણે નર્મદા કેનાલમાંથી કુલ ૪૦ એમ.એલ.ડી. પાણી પ્રતિદિન મળે, તે માટેની માંગણી કરવામાં આવી હોવાનું જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના ઇજનેર દ્વારા જણાવાયું છે.