હડિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ માટે જોડિયા પોલીસ સ્ટેશન અને ન્યાયાલયની મુલાકાતનું આયોજન કરાયું
- બાળકો કાયદાકીય પ્રણાલીથી વાકેફ બને, તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું
જામનગર,તા.11 માર્ચ 2024,સોમવાર
જોડિયા તાલુકામાં સ્થિત હડિયાણા કન્યા શાળાની ધોરણ-8 ની વિદ્યાર્થીનીઓએ જોડિયા પોલીસ સ્ટેશન તથા જોડિયા ન્યાયાલયની મુલાકાત લીધી હતી. જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કનુભાઈએ પોલીસ તંત્રની કામગીરી વિશે તેમજ એફ.આઈ.આર. વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓએ મહિલા હેલ્પલાઈન 181 વિશે માહિતી મેળવી હતી.
ત્યારબાદ જોડિયા ન્યાયાલયની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કર્મચારી પ્રવીણભાઈએ અદાલતની કામગીરી, દીવાની કેસો અને ફોજદારી કેસો વિશે વિસ્તૃત સમજણ આપી હતી અને બાળકોએ અદાલતની કામગીરી નીહાળી હતી. બાળકો માટે પોલીસ સ્ટેશન તથા ન્યાયાલયની મુલાકાત યાદગાર બની રહી હતી. શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ મકવાણાએ મુલાકાત દરમિયાન બાળકોની સાથે રહી તેમને સમગ્ર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.