જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડની ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વેપારી પેનલનો શાનદાર વિજય
- ખેડૂત વિભાગની ચૂંટણીમાં પણ 16 રાઉન્ડના અંતે ભાજપ પ્રેરિત પેનલની જંગી લીડથી જીત નિશ્ચિત
જામનગર,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
જામનગર માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર માટેની પ્રતિષ્ઠાભરી ચૂંટણી ગઈકાલે યોજાયા બાદ પરિણામ પર સૌ કોઈની મીટ મંડાઈ હતી, આજે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત વેપારી પેલનનો ભવ્ય વિજય થયો છે. જ્યારે 16 રાઉન્ડના અંતે ખેડૂત વિભાગમાં પણ ભાજપ પ્રેરિત પેનલને જંગી લીડ મળતાં જીત નિશ્ચિત બની છે.
જામનગર માર્કેટીંગ યાર્ડની રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપમાંથી બગાવત કરી સ્વતંત્ર પેનલ બનાવી અને આપના જિલ્લા અધ્યક્ષે પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતાં જંગ રસપ્રદ બન્યો હતો. અને ધીંગુ મતદાન થયા બાદ આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સૌ પ્રથમ વેપારી વિભાગના મતોની ગણતરી કરવામાં આવતાં ભાજપ પ્રેરતિ પેનલના કોટેચા હિરેન વિજયભાઈને 73 મત, ભંડેરી સંજયભાઈ જગદીશભાઈને 76 મત, મહેતા વિરેશ મનસુખલાલને 77 અને સાવલિયા જયેશ રતિલાલને 61 મત મળતાં તેમનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ ખેડૂત વિભાગના મતોની ગણતરીમાં પણ ભાજપ પ્રેરીત ઉમેદવારો પણ તોતિંગ સરસાઈથી આગળ ચાલી રહ્યા છે અને 16 રામના અંતે જંગી લીડ મળી હોવાથી તેમની પણ જીત નિશ્ર્ચિત બની છે, ત્યારે ફરી એકવાર માર્કેટીંગ યાર્ડમા સત્તાધારી ભાજપનું કેશરીયું શાસન બનશે.