જામનગરમાં પિતાની સારવાર માટે રાખેલ યુવકની નજર બગડતાં પીડિતાએ 181 અભયમ ટીમની મદદ માંગી
- રાત્રિના સમયે કેરટેકરે છેડતીનો પ્રયાસ કરતાં અભયમ ટીમ દ્વારા તાત્કાલિક પીડિતાને મદદ પહોંચાડી
જામનગર,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર
જામનગર શહેરમાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેમાં લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે.
જેમાં આજરોજ પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગેલી, ને જણાવ્યું હતું કે પિતાની દેખરેખ તેમજ સાર સંભાળ માટે ( કેરટેકર) યુવક રાખેલ છે, જેની નજર બગડતાં છેડતી કરવાની કોશિશ કરી રહ્યો છે. તેથી તત્કાલ મદદની જરૂર છે.
જામનગર 181 અભયમ ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કર્મચારીએ તારાબેન ચૌહાણ, પાયલોટ સુરજીત સિંહ વાઘેલા વગેરેએ ગણતરીની મિનિટોમાંજ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં જોવા મળેલું કે મકાનનો દરવાજો અંદરથી બંધ હોય તેમ જ પીડિતા ખૂબ ડરી ગયેલ હોય, તેથી આશ્વાસન આપી વિશ્વાસ જીતી મકાનનો દરવાજો ખોલાવેલો હતો. પીડિતા ડરી ગયેલ હોય અને રડતા જોવા મળેલ તેથી આશ્વાશન આપી શાંત કરેલાં અને કાઉન્સિલિંગ કરી પૂરી વાત જાણવાની કોશિશ કરી હતી.
જેમાં જાણવા મળેલું કે પીડિતાના માતા આશરે પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામેલ હોય, તેથી પીડિતા તેમના પિતા સાથે રહેતા હોય. પિતાની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમની દેખરેખ તેમજ સાર સંભાળ માટે યુવક રાખેલ હોય, જે પિતાની સારા સંભાળ રાખે આજે પિતાને હોસ્પિટલ થી રજા આપતાં ઘરે લાવેલ હતો. તેથી પીડિતા જોબ પર ગઇ હતી. અને રાત્રિના 11.00 વાગ્યે જોબ પરથી આવેલ ત્યાં સુધી બધું ઠીક જોવા મળેલું. અચાનક 1.30 વાગે યુવક દ્વારા પીડિતાને જણાવેલ તેવો નાસ્તો કરવા જાય છે, તો થોડી વાર પિતાની દેખરેખ રાખે. બે વાગે યુવક કેફી દ્રવ્યનું સેવન કરી નશાની હાલતમાં પાછો ફરેલો, તેથી ગેરવર્તન તેમજ અપશબ્દ બોલવા લાગ્યો હતો. તેથી પીડિતા ડરીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. યુવક દરવાજો પછાડવા લાગેલોને દરવાજો ન ખોલતાં પીડીતાના ફોનમાં ફોન પર ફોન કરવા લાગ્યો હતો. અને ખરાબ મેસેજ તેમજ વીડિયો કોલ કરવા લાગ્યો હતો, અને ધમકી આપવા માંડી હતી.
તેથી પીડિતા એ 181 અભયમ ટીમની મદદ માગેલ હોય પૂરી વાત જાણી યોગ્ય કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. પીડિતા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ 181 ટીમ દ્વારા પિતાની દેખરેખ માટે રાખેલ યુવકને 181 ટીમ દ્વારા કાયદાનું યોગ્ય ભાન કરાવાયું હતું. આમ યોગ્ય સમય પર પહોચી પીડિતાનો બચાવ કરવા બદલ પીડિતા તેમજ તેમના પિતા દ્વારા 181 ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.