જામનગર મહાનગરપાલિકાના તંત્રની બલિહારી... સાંસદના બંગલા ફરતે પાણી ભરાયા..
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં લાખોના ખર્ચે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવાઈ હતી, અને અનેક પાણીના બોર તથા નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી હતી, જે તમામ ખર્ચ માથે પડ્યો છે, અને આજે પ્રથમ વરસાદે જ ઉપરોક્ત વિસ્તારમાં પાણી ભરાયા છે.
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓનો બંગલો સ્વસ્તિક સોસાયટીના કોર્નર પર આવેલો છે, જે બંગલાની ફરતે પાણી ફરી વળ્યા છે. તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય પરિવારના બંગલા ના દ્વારે પણ પાણી ભરાયા હોવાથી ભારે મુશ્કેલી સર્જાઇ છે.
આ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નો પાયલોટ પ્રોજેક્ટ બનાવ્યો હતો, અને સૌ પ્રથમ વખત અહીં મોટો ખર્ચ કરીને તેમજ કુવા રિચાર્જિંગ સિસ્ટમ પણ તૈયાર કરાઇ છે. અને ડી.કે.વી. કોલેજમાં કૂવો બનાવીને તેમાં પાણી ઠલવવાની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે, તેમ છતાં આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત રહયો છે, અને તમામ ખર્ચ માથે પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.