જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા રિસાયા હોવાથી શહેરીજનો તેમજ ખેડૂતો ચિંતાતુર બન્યા

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા રિસાયા હોવાથી શહેરીજનો તેમજ ખેડૂતો ચિંતાતુર બન્યા 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લામાં મેઘરાજા રિસાયા હોવાથી ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે. તેમજ પાણી માટે પણ પરિસ્થિતિ વિકટ બનેલી છે. ઉપરાંત એક મહિનાની વરસાદી સીઝનમાં એકમાત્ર ડેમ ઓવરફ્લો થયો છે, જયારે કુલ 25 ડેમો પૈકીના 13 જળાશયોમાં માત્ર 30 ટકા જેટલોજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે,જે પણ ચિંતા નો વિષય છે.

જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો, અને એક મહિનાના સમયગાળા દરમિયાન જામનગર શહેરની વાત કરવામાં આવે તો માત્ર 160 મી.મી. (સાડા છ ઇંચ) વરસાદ નોંધાયો છે. તે જ રીતે જોડિયામાં 196 મી.મી. ધ્રોલમાં 144 મી.મી., કાલાવડમાં 271 મી.મી., લાલપુરમાં ૨૩૨ અને જામજોધપુરમાં 300 મી.મી. વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષની સિઝન કરતા ખૂબ જ ઓછો છે.

ખેડૂતો પણ છેલ્લા એકાદ સપ્તાહથી કાગના ડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

સમગ્ર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદથી માહોલ બંધાયેલો રહે છે, પરંતુ મેઘરાજા હાથતાળી આપીને ચાલ્યા જતા હોવાથી લોકો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન ચાલુ સિઝનમાં જામનગર જિલ્લાના 35 ડેમો પૈકી એકમાત્ર ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો થયો છે. બાકીના જળાશયોમાં પાણી નો નહીવત જથ્થો આવ્યો છે. ચાલૂ સીઝનમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે બાકીના જળાશયો ખાલી ખમ પડ્યા છે.

ગત વર્ષની સરખામણીએ 1 માસના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લાના છ ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા. અને ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પડતો રણજીત સાગર ડેમ પૂરો ભરાઈ ગયો હતો. ત્યારે હાલ તેમાં માત્ર બે ત્રણ માસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી પણ ચિંતા નો વિષય બન્યો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાડંબર છવાય છે, અને વરસાદી વાતાવરણ બનેલું છે પરંતુ છેલ્લા 48 કલાકમાં જામનગર જિલ્લો કોરો ધાકોડ રહ્યો છે, અને શહેરીજનો તેમજ ખેડૂતો વગેરે ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.


Google NewsGoogle News