જામનગરના ગોકુલનગરમાં વારંવાર વીજળી ગુલ થતાં વિજ કચેરીએ ટોળાનો હંગામો
Jamnagar PGVCL : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વારંવાર લાંબા સમય સુધી વીજળી ગુલ થવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતાં લોકો ગુસ્સે થઈ ગયા હતા, અને ગઈકાલે શંકર ટેકરી ઉદ્યોગ નગરમાં આવેલી પીજીવીસીએલના ફરિયાદ સેન્ટરમાં ટોળા સાથે પહોંચી ગયા હતા.
આ ઘટના ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. ગુસ્સાએ ભરાયેલા લોકોએ પીજીવીસીએલ અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી અને બબાલ મચાવી હતી. મામલો વધુના વકરે તે પહેલાં પોલીસને બોલાવવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી, કે ગોકુલનગરમાં છેલ્લા ઘણા દિવસોથી વારંવાર કલાકો સુધી વીજળી ગુલ થઈ રહી છે. આ સમસ્યાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફરિયાદ નોંધાવવા છતાં પણ પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
ગઈકાલે રાત્રીના 9 કલાક બાદ 12 વાગ્યા સુધી ગોકુલનગરમાં વીજળી ગુલ થઈ હતી, જેના કારણે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. ગુસ્સામાં લોકો પીજીવીસીએલના ફરિયાદ વિભાગમાં પહોંચી ગયા અને કર્મચારીઓ સામે ઉગ્ર રજૂઆત કરી હતી.
જ્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પીજીવીસીએલના સીટી-2 ના ડેપ્યુટી એન્જિનિયરને ટેલિફોન સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી. ગોસ્વામીની જવાબદારી હેઠળ ગોકુલનગરમાં વીજળી પુરવઠો આવે છે, છતાં પણ તેમણે ફોનનો જવાબ ન આપીને પોતાની જવાબદારીથી દૂર રહ્યા હતા.
આ ઘટનાથી ગોકુલનગરના રહેવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે, અને લાલ બંગલો વિજ તંત્રની મુખ્ય ઓફિસ પાસે ધરણા પર બેસવાની ચેતવણી આપી છે.
જો પીજીવીસીએલ દ્વારા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહિ લાવવામાં આવે, તો ગોકુલનગરના રહેવાસીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.